PM Surya Ghar Yojana: જો તમે કાળઝાળ ગરમી, વારંવાર થતા પાવર કટ અને મોંઘા વીજળીના બિલોથી કંટાળી ગયા છો, તો કેન્દ્ર સરકારની 'PM સૂર્ય ઘર મફત વીજળી યોજના' તમારા માટે કોઈ વરદાનથી કમ નથી. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય સામાન્ય માણસને પોતાના ઘરની છત પર સોલાર પેનલ લગાવીને પોતાની વીજળી જાતે પેદા કરવાની તક આપવાનો અને વીજળીના બિલને શૂન્ય સુધી લાવવાનો છે. આ યોજના હેઠળ સરકાર છત પર સોલાર સેટઅપ લગાવવા માટે જંગી સબસિડી આપી રહી છે. જો તમારી પાસે રોકાણ કરવા માટે 1 લાખ રૂપિયાનું બજેટ ન હોય, તો પણ ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે સરકારે બેંકો સાથે મળીને ગેરંટી વગરની સસ્તી લોનની પણ વ્યવસ્થા કરી છે. ચાલો જાણીએ આ યોજનાનું ગણિત અને સબસિડી મેળવવાની સંપૂર્ણ પ્રક્રિયા.
કિલોવોટ પ્રમાણે સમજો સબસિડીનું ગણિત
બજારમાં જાતે સોલાર પેનલ લગાવવા જાવ તો પ્રતિ કિલોવોટ આશરે 60,000 થી 80,000 રૂપિયાનો ખર્ચ આવે છે. પરંતુ, સરકારની આ યોજનામાં રજીસ્ટ્રેશન કરાવવાથી તમારો મોટો ખર્ચ બચી જશે:
1 kW સેટઅપ: નાના ઘરો માટે, સરકાર 30,000 રૂપિયાની ફિક્સ સબસિડી આપે છે.
2 kW સેટઅપ: મધ્યમ વર્ગ માટે સૌથી લોકપ્રિય, જેમાં સરકાર 60,000 રૂપિયા આપે છે.
3 kW કે તેથી વધુ: મોટા ઘરો (AC, ગીઝરના વપરાશવાળા) માટે સરકાર મહત્તમ 78,000 રૂપિયા સબસિડી આપે છે. (નોંધ: તમે 5 kW લગાવો તો પણ સબસિડીની મર્યાદા 78,000 જ રહેશે).
યુપીના લોકો માટે ડબલ ફાયદો (બોનસ)
જો તમે ઉત્તર પ્રદેશમાં રહો છો, તો તમને કેન્દ્રની 78,000 રૂપિયાની સબસિડી ઉપરાંત યુપી સરકાર તરફથી વધારાની 30,000 રૂપિયાની 'રાજ્ય સબસિડી' પણ મળશે. એટલે કે, યુપીના નાગરિકોને સીધો 1,08,000 રૂપિયાનો ફાયદો થશે.
4 વર્ષમાં ખર્ચ વસૂલ, 20 વર્ષ સુધી વીજળી ફ્રી!
માની લો કે તમે 3 kW ની પેનલ લગાવો છો:
કુલ અંદાજિત ખર્ચ: 1,80,000 રૂપિયા
કેન્દ્રની સબસિડી: 78,000 રૂપિયા
આ પણ વાંચોઃ PM સૂર્યઘર યોજનામાં ફેરફાર, હવે સોલાર પેનલ લગાવવા માટે પૈસા નહીં ચૂકવવા પડે
તમારા ખિસ્સામાંથી જશે: માત્ર 1,08,000 રૂપિયા
દર મહિને થશે આટલી બચત:
3 kW નો પ્લાન્ટ દર મહિને આશરે 250 થી 300 યુનિટ વીજળી પેદા કરે છે. જો તમારા વિસ્તારમાં 1 યુનિટનો ભાવ 8 રૂપિયા હોય, તો તમે મહિને 2,200 રૂપિયા અને વર્ષે 26,400 રૂપિયા બચાવશો. આ ગણતરી મુજબ, માત્ર 4 વર્ષ અને 1 મહિનામાં તમારું 1,08,000 રૂપિયાનું રોકાણ વસૂલ થઈ જશે (યુપીમાં માત્ર 3 વર્ષમાં). સોલાર પેનલનું આયુષ્ય 25 વર્ષનું હોય છે, એટલે કે ખર્ચ વસૂલ થયા પછી બાકીના 20 વર્ષ સુધી તમને બિલકુલ મફત વીજળી મળશે!
6 સરળ સ્ટેપમાં આ રીતે કરો ઓનલાઈન અરજી
જો તમારી પાસે પાકું મકાન અને તમારા નામનું વીજળી બિલ હોય, તો તમે ઘરે બેઠા આ રીતે અરજી કરી શકો છો:
પોર્ટલ પર જાઓ: સત્તાવાર વેબસાઇટ www.pmsuryaghar.gov.in ખોલો. તમારું રાજ્ય, વીજ કંપની (DISCOM) અને ગ્રાહક નંબર નાખીને રજીસ્ટ્રેશન કરો.
ફોર્મ ભરો: મોબાઈલ નંબરથી લોગીન કરી 'રૂફટોપ સોલર' માટેનું ઓનલાઈન ફોર્મ ભરો.
પેનલ લગાવો: વીજ કંપની તરફથી મંજૂરી (અપ્રૂવલ) મળ્યા પછી, પોર્ટલ પર લિસ્ટેડ માન્ય વેન્ડર પાસેથી પેનલ લગાવડાવો.
નેટ મીટરિંગ: કામ પૂરું થયા પછી વેન્ડરની વિગતો અને પ્લાન્ટનો ફોટો અપલોડ કરી નેટ મીટર માટે અરજી કરો.
ચેકિંગ અને સર્ટિફિકેટ: વીજ કંપનીના અધિકારી ઘરે આવીને પ્લાન્ટ ચેક કરશે. બધું બરાબર હશે તો નેટ મીટર લાગશે અને પોર્ટલ પર 'કમિશનિંગ સર્ટિફિકેટ' મળશે.
સબસિડી ખાતામાં: છેલ્લે, પોર્ટલ પર તમારી બેંકની પાસબુક અથવા કેન્સલ ચેક અપલોડ કરો. 30 દિવસની અંદર સબસિડીના પૂરા પૈસા તમારા ખાતામાં જમા થઈ જશે.
પૈસા નથી? તો સરકાર આપશે સસ્તી અને ગેરંટી વગરની લોન
જો તમારી પાસે રોકાણ કરવા માટે 1 લાખ રૂપિયા નથી, તો પણ કોઈ ચિંતા નથી. સરકારે બેંકો સાથે ભાગીદારી કરી છે, જેમાં તમને કોઈપણ ગેરંટી (કોલેટરલ) વગર લોન મળશે. આ લોનનો વ્યાજ દર આશરે 7% જેટલો સાવ નજીવો છે (RBI ના રેપો રેટથી માત્ર 0.5% વધુ). આથી તમારી માસિક EMI ખૂબ જ ઓછી આવશે, જે તમે વીજળી બિલમાં થતી બચતમાંથી જ સરળતાથી ભરી શકશો.
