VAT on Petrol Diesel: પંજાબ સરકારે મોટો નિર્ણય લેતા પેટ્રોલ અને ડીઝલ પર વેટ વધારી દીધો છે. હવે પંજાબના લોકોએ એક લીટર પેટ્રોલ માટે વધુ કિંમત ચૂકવવી પડશે. ઉપરાંત ડીઝલના ભાવમાં પણ વધારો થયો છે. હવે રાજ્યમાં એક લિટર પેટ્રોલની કિંમત 98.65 રૂપિયા, ડીઝલની કિંમત 88.95 રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે.


પંજાબ સરકારે આ નિર્ણય એવા સમયે લીધો છે જ્યારે ગયા વર્ષથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. પેટ્રોલ અને ડીઝલના ભાવ એપ્રિલ 2022થી સ્થિર છે. નવી દિલ્હી સહિત તમામ મહાનગરોમાં તેની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.


પંજાબ સરકાર દ્વારા વેટમાં કેટલો વધારો કરવામાં આવ્યો


પેટ્રોલ વેટ દરમાં લગભગ 1.8 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. જેના કારણે પેટ્રોલ 92 પૈસા પ્રતિ લીટર મોંઘુ થયું છે. જ્યારે ડીઝલ વેટ દરમાં 1.13 ટકાનો વધારો થયો છે. જેમાં પ્રતિ લીટર 90 પૈસાનો વધારો થયો છે. વધેલી કિંમતો મધરાત 12 વાગ્યાથી લાગુ થઈ ગઈ છે.


કેબિનેટમાં મંજૂરી


કેટલાક મીડિયા રિપોર્ટ્સ અનુસાર માનસમાં કેબિનેટની બેઠક દરમિયાન પેટ્રોલ અને ડીઝલ પર વેટ લગાવવાની મંજૂરી આપવામાં આવી હતી. જો કે હજુ સુધી આમ આદમી પાર્ટીની સરકારે આ અંગે કોઈ અપડેટ આપી નથી. ANIએ પોતાના ટ્વિટમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારાની માહિતી આપી છે.




દેશના મહાનગરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ


નવી દિલ્હીમાં એક લિટર પેટ્રોલની કિંમત 96.72 રૂપિયા અને ડીઝલની કિંમત 89.62 રૂપિયા છે.


મુંબઈમાં પેટ્રોલની કિંમત 106.31 રૂપિયા અને ડીઝલની કિંમત 94.27 રૂપિયા પ્રતિ લિટર છે.


કોલકાતામાં પેટ્રોલની કિંમત 106.03 રૂપિયા અને ડીઝલની કિંમત 92.76 રૂપિયા પ્રતિ લીટર છે.


ચેન્નાઈમાં પેટ્રોલ 102.73 રૂપિયા અને ડીઝલ 94.33 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે.


ઘરે બેઠાં ચેક કરો પેટ્રૉલ-ડીઝલના ભાવ  - 


દરરરોજ ફ્યૂલના રેટ જાહેર કરવામાં આવે છે, તમામ શહેરોના ઇંધણ રેટ અલગ અલગ હોય છે. તમે પેટ્રૉલ-ડીઝલના ભાવોને ચેક કરવા માટે એસએમએસ સુવિધાનો લાભ ઉઠાવી શકો છે. 


એચપીસીએલ (HPCL) ના ગ્રાહકો HPPRICE <ડીલર કૉડ>લખીને 9222201122 નંબર પર મેસેજ કરે. વળી, ઇન્ડિયન ઓઇલના ગ્રાહકો પોતાના શહેરના ફ્યૂલ રેટ્સ ચેક કરવા માટે RSP<ડીલર કૉડ> લખીને 9224992249 નંબર પર મોકલી દો. બીપીસીએલ (BPCL) ના ગ્રાહકો RSP<ડીલર કૉડ> લખીને 9223112222 નંબર પર મોકલી દો. આ પછી તમને નવા રેટ વિશે જાણકારી આપવામાં આવશે.