railway bedroll facility: ભારતીય રેલવેએ સામાન્ય મુસાફરોની સુવિધામાં વધારો કરતા એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. અત્યાર સુધી ટ્રેનમાં માત્ર AC કોચના મુસાફરોને જ બેડરોલ (ધાબળા, ચાદર, ઓશિકા) ની સુવિધા મળતી હતી, પરંતુ હવે સ્લીપર ક્લાસ (Sleeper Class) માં મુસાફરી કરતા લોકોને પણ આ લાભ મળશે. દક્ષિણ રેલવે દ્વારા 1 January, 2026 થી પસંદગીની ટ્રેનોમાં આ સેવા શરૂ કરવામાં આવી રહી છે. આ માટે મુસાફરોએ નિયત કરેલો નજીવો ચાર્જ ચૂકવવાનો રહેશે. આ નિર્ણયથી મુસાફરોને ઘરેથી બિસ્તર ઉપાડીને લાવવાની ઝંઝટમાંથી મુક્તિ મળશે અને મુસાફરી વધુ આરામદાયક બનશે.

Continues below advertisement

સ્લીપર કોચમાં 'ઓન-ડિમાન્ડ' બેડરોલ સુવિધા

રેલવે પ્રશાસને મુસાફરોના અનુભવને બહેતર બનાવવા માટે આ નવતર પ્રયોગ હાથ ધર્યો છે. આ સેવા 'ઓન-ડિમાન્ડ' (On-demand) મોડેલ પર કામ કરશે, એટલે કે જે મુસાફરોને જરૂર હોય તેઓ જ પૈસા ચૂકવીને આ સુવિધાનો લાભ લઈ શકશે. અગાઉ રેલવેએ 2023-24 માં NINFRIS યોજના હેઠળ આનો પાયલોટ પ્રોજેક્ટ ચલાવ્યો હતો, જેને મુસાફરો તરફથી જબરદસ્ત પ્રતિસાદ મળ્યો હતો. તેના આધારે હવે દક્ષિણ ભારતના ચેન્નાઈ ડિવિઝનમાં કાયમી ધોરણે આ સેવા શરૂ કરવામાં આવી રહી છે. રેલવેની ખાતરી છે કે પૂરા પાડવામાં આવતા બેડરોલ સંપૂર્ણપણે સ્વચ્છ અને સેનિટાઇઝ્ડ હશે.

Continues below advertisement

મુસાફરોને કેટલો ચાર્જ ચૂકવવો પડશે?

રેલવેએ સામાન્ય માણસના બજેટને ધ્યાનમાં રાખીને આ સુવિધાના દરો ખૂબ જ વ્યાજબી રાખ્યા છે. મુસાફરો પોતાની જરૂરિયાત મુજબ અલગ-અલગ વસ્તુઓ અથવા આખી કિટ ભાડે લઈ શકે છે. તમારે માત્ર ટ્રેન સ્ટાફનો સંપર્ક કરીને નીચે મુજબનો ચાર્જ આપવાનો રહેશે:

1 બેડશીટ (ચાદર): ₹20

1 ઓશિકું અને કવર: ₹30

સંપૂર્ણ કિટ (બેડશીટ + ઓશિકું): ₹50

આ સુવિધાથી શિયાળાની ઋતુમાં મુસાફરી કરતા લોકો માટે મોટી રાહત થશે, કારણ કે હવે તેમને ભારે ધાબળા કે ગાદલા સાથે લઈને ફરવું પડશે નહીં.

કઈ ટ્રેનોમાં મળશે આ સુવિધા?

શરૂઆતના તબક્કે દક્ષિણ રેલવેની નીચે મુજબની પસંદગીની ટ્રેનોમાં આ સેવા ઉપલબ્ધ કરાવવામાં આવશે:

ટ્રેન નં. 12671/12672 નીલગિરી સુપરફાસ્ટ એક્સપ્રેસ

ટ્રેન નં. 12685/12686 મેંગલુરુ સુપરફાસ્ટ એક્સપ્રેસ

ટ્રેન નં. 16179/16180 મન્નારગુડી એક્સપ્રેસ

ટ્રેન નં. 20605/20606 તિરુચેન્દુર સુપરફાસ્ટ એક્સપ્રેસ

ટ્રેન નં. 22651/22652 પાલઘાટ એક્સપ્રેસ

ટ્રેન નં. 20681/20682 સિલમ્બુ સુપરફાસ્ટ એક્સપ્રેસ

ટ્રેન નં. 22657/22658 તંબરમ-નાગરકોઇલ સુપરફાસ્ટ

ટ્રેન નં. 12695/12696 તિરુવનંતપુરમ સુપરફાસ્ટ એક્સપ્રેસ

ટ્રેન નં. 22639/22640 એલેપ્પી સુપરફાસ્ટ એક્સપ્રેસ

ટ્રેન નં. 16159/16160 મેંગલુરુ એક્સપ્રેસ

આ નિર્ણય શા માટે લેવાયો?

ઘણા મુસાફરો આર્થિક કારણોસર અથવા ટિકિટ ન મળવાને કારણે AC કોચને બદલે સ્લીપરમાં મુસાફરી કરતા હોય છે. આવા સમયે, ખાસ કરીને લાંબી મુસાફરીમાં પથારીનો અભાવ મુસાફરીને થકવી નાખનારી બનાવે છે. આ સમસ્યાના ઉકેલ રૂપે અને મુસાફરીને લગેજ-ફ્રી (સામાનના બોજ વગરની) બનાવવા માટે રેલવેએ આ સરાહનીય પગલું ભર્યું છે. સોશિયલ મીડિયા પર પણ રેલવેના આ નિર્ણયની ખૂબ પ્રશંસા થઈ રહી છે.