8th Pay Commission: રામ નવમી 2026 પહેલા ભારતીય રેલવે કર્મચારીઓ માટે મોટા સમાચાર છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવના નેતૃત્વ હેઠળના રેલવે મંત્રાલયે 1 જાન્યુઆરી, 2024થી અમલમાં આવતા કિલોમીટરેજ એલાઉન્સ અને એલાઉન્સ ઈન લ્યૂ ઓફ કિલોમીટરેજ (ALK) માં સુધારો કર્યો છે. આ મહત્વપૂર્ણ ભથ્થામાં સંશોધનથી રેલવેના રનિંગ સ્ટાફના 8મા કેન્દ્રીય પગાર પંચ (CPC) ના સંભવિત લાગુ થતા પહેલા નોંધપાત્ર રાહત મળવા જઈ રહી છે.
કોને ફાયદો થશે?
રામ નવમી પહેલા રેલવેના રનિંગ સ્ટાફ માટે એક સકારાત્મક નિર્ણય લેતા રેલવે મંત્રાલયે 'કિલોમીટરેજ એલાઉન્સ' અને એલાઉન્સ ઈન લ્યૂ ઓફ કિલોમીટરેજ (ALK)ના દરોમાં સુધારાને મંજૂરી આપી છે. આ પગલું રેલવેના માન્યતા પ્રાપ્ત ફેડરેશનો જેમાં ઓલ ઈન્ડિયા રેલ્વેમેન ફેડરેશન (AIRF) અને નેશનલ ફેડરેશન ઓફ ઈન્ડિયન રેલ્વેમેન (NFIR) સામેલ છે- દ્ધારા લાંબા સમયથી ચાલી રહેલી માંગ બાદ લેવામાં આવ્યો છે.
લાભ કેટલો થશે?
20 માર્ચે રેલવે બોર્ડે આ બાબતે એક સત્તાવાર આદેશ જાહેર કર્યો. આ સુધારો 1 જાન્યુઆરી, 2024 થી અમલમાં આવશે. 'કિલોમીટરેજ એલાઉન્સ' હેઠળ હવે ટ્રેન ચલાવનારા કર્મચારીઓ જેમ કે લોકો પાયલટ અને ગાર્ડને દરેક કિલોમીટરે ટ્રેન ચલાવવા પર અગાઉ કરતા વધુ પૈસા મળશે. નોંધનીય છે કે જ્યારે ડ્રાઇવરો અને ગાર્ડ ડ્યુટી દરમિયાન ટ્રેન ચલાવે છે અથવા સફર પર હોય છે તો તેમને તેમની સેલેરી સિવાય નક્કી કરાયેલ કિલોમીટરના આધારે પૈસા મળે છે. આ દરમાં હવે 25 ટકાનો વધારો કરવામાં આવ્યો છે.
એ જ રીતે 'અલાઉન્સ ઇન લ્યૂ ઓફ કિલોમીટરેજ' (ALK) હેઠળ ક્યારેક ક્યારેક રનિંગ સ્ટાફ ટ્રેન ચલાવવાના બદલે ટ્રેનિંગ અથવા મેડિકલ ચેકઅપ અથવા મીટિંગ માટે શિફ્ટ થાય છે ત્યારે કિલોમીટરના બદલે તેમને જે પૈસા મળે છે તેને એએલકે કહેવામાં આવે છે. તેમાં પણ હવે 25 ટકાનો વધારો કરાયો છે.
ભથ્થાં સંબંધિત મુખ્ય મુદ્દાઓ
ટ્રેન ચલાવવા માટે 'કિલોમીટરેજ એલાઉન્સ' (Kilometrage Allowance) માં 25 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. આનો મુખ્યત્વે લોકો પાયલટ્સ, સહાયક લોકો પાયલટ્સ અને ટ્રેન મેનેજરો (ગાર્ડ્સ) ને ફાયદો થશે. આશરે 2 લાખ કર્મચારીઓને આનો લાભ મળશે.
આ નિયમ જાન્યુઆરી 2024થી અમલી માનવામાં આવશે તેથી અગાઉ વધેલા બાકી પગાર પણ ચૂકવવામાં આવશે. રેલવે સેવાઓ (સુધારેલા પગાર) નિયમો, 2016 અનુસાર, મોંઘવારી ભથ્થું હવે 50 ટકાને વટાવી ગયું છે. જ્યારે મોંઘવારી ભથ્થું આ સ્તર કરતાં વધી જાય છે, ત્યારે ચોક્કસ ચોક્કસ ભથ્થાઓમાં સુધારો કરવાની જોગવાઈ છે.
