Raghuram Rajan praised RBI : સરકારની ટીકા કરનારા રઘુરામ રાજને રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા - RBIની પ્રસંશા કરી છે. ભારતીય રિઝર્વ બેંકના ભૂતપૂર્વ ગવર્નર રઘુરામ રાજને કહ્યું છે કે ભારતને શ્રીલંકા અને પાકિસ્તાન જેવી આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડશે નહીં. તેમણે કહ્યું કે RBIએ વિદેશી મુદ્રા ભંડાર (foreign exchange reserves) વધારવામાં સારું કામ કર્યું છે. આપણી  પાસે પર્યાપ્ત વિદેશી હૂંડિયામણ અનામત છે. રિઝર્વ બેંકે આમાં સારું કામ કર્યું છે. આપણી  સમસ્યા શ્રીલંકા અને પાકિસ્તાન જેવી નથી. આપણું વિદેશી દેવું પણ ઓછું છે.


સમગ્ર વિશ્વ મોંઘવારીની અસરનો સામનો કરી રહ્યું છે
RBIના પૂર્વ ગવર્નરે કહ્યું કે આ સમયે સમગ્ર વિશ્વમાં મોંઘવારી છે. RBI  વ્યાજ દરોમાં વધારો કરી રહી છે જે મોંઘવારીને ઘટાડવામાં મદદ કરશે. સૌથી વધુ મોંઘવારી ખોરાક અને ઈંધણમાં છે. વિશ્વમાં ખાદ્યપદાર્થોના ભાવમાં ઘટાડો થઈ રહ્યો છે અને આગામી દિવસોમાં ભારતમાં પણ તે ઘટશે.


શ્રીલંકા-પાકની શું હાલત છે?
આજના સમયમાં શ્રીલંકા અને પાકિસ્તાન બંનેમાં મોંઘવારી ચરમસીમાએ પહોંચી ગઈ છે. જુલાઈમાં શ્રીલંકાનો છૂટક મોંઘવારી દર 61 ટકાની નજીક હતો. હવે શ્રીલંકા કટોકટીની પરિસ્થિતિનો સામનો કરી રહ્યું  છે. પાકિસ્તાનની વાત કરીએ તો રાજકીય અશાંતિના કારણે આર્થિક અનિશ્ચિતતા વધી રહી છે, જેના કારણે રૂપિયાનું અવમૂલ્યન થઈ રહ્યું છે. જેના કારણે પાકિસ્તાનની અર્થવ્યવસ્થા પણ ડૂબી ગઈ છે.


ભારતમાં ફોરેક્સ રિઝર્વ કેટલું છે?
RBIના તાજેતરના ડેટા અનુસાર, 22 જુલાઈના રોજ પૂરા થયેલા અઠવાડિયામાં ભારતનું વિદેશી વિનિમય અનામત 571.56 બિલિયન ડોલર હતું. આ જ અઠવાડિયા  દરમિયાન વિદેશી મુદ્રા ભંડારમાં 1.152 બિલિયન ડોલરનો ઘટાડો નોંધવામાં આવ્યો છે.