Repo Rate: ભારતીય રિઝર્વ બેંકની નાણાકીય નીતિ સમિતિ (MPC) ની બેઠક બાદ એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. આરબીઆઈએ રેપો રેટ 5.25% પર યથાવત રાખ્યો છે. રિયલ એસ્ટેટ અને નાણાકીય ક્ષેત્રના નિષ્ણાતોએ આ નિર્ણયનું સ્વાગત કર્યું છે, પરંતુ ક્રૂડ ઓઈલની કિંમતો અને ફુગાવા (મોંઘવારી) ને લઈને ચિંતા વ્યક્ત કરી છે.
રેપો રેટ શું હોય છે?
રેપો રેટ એ વ્યાજ દર છે જેના પર દેશની સેન્ટ્રલ બેંક એટલે કે ભારતીય રિઝર્વ બેંક દેશની કોમર્શિયલ બેંકોને લોન આપે છે. જેમ કે અત્યારે રેપો રેટ 5.25% છે. સામાન્ય રીતે જ્યારે દેશમાં મોંઘવારી વધે છે ત્યારે આરબીઆઈ પણ રેપો રેટ વધારી દે છે. આનાથી બેંકોને મોંઘી લોન મળે છે અને તેઓ બજારમાં ગ્રાહકો માટે લોન મોંઘી કરી દે છે, જેનાથી બજારમાં નાણાંનો પ્રવાહ ઘટી જાય છે.
આ પણ વાંચો...2 હજાર રૂપિયાથી વધુના UPI પેમેન્ટ પર જલદી લાગી શકે છે ચાર્જ, મોટા ફેરફારની તૈયારીમાં સરકાર
અગાઉનો શું રહ્યો છે રેકોર્ડ?
આરબીઆઈએ વિતેલી કેટલીક બેઠકોમાં રેપો રેટ 5.25% પર સ્થિર જ રાખ્યો છે. આ પહેલાં વર્ષ 2025 માં રેપો રેટ 6.50% થી ઘટીને 5.25% પર આવ્યો હતો. વર્ષ 2022 થી વર્ષ 2025 સુધીનો રેકોર્ડ જોઈએ તો આશરે 10 વખત તેમાં ફેરફાર થયો છે.
રેપો રેટ વધવાનો તબક્કો (મે 2022 થી ફેબ્રુઆરી 2023):
| મહિનો અને વર્ષ | ફેરફાર | નવો રેપો રેટ |
| મે 2022 | +0.40% | 4.40% |
| જૂન 2022 | +0.50% | 4.90% |
| ઓગસ્ટ 2022 | +0.50% | 5.40% |
| સપ્ટેમ્બર 2022 | +0.50% | 5.90% |
| ડિસેમ્બર 2022 | +0.35% | 6.25% |
| ફેબ્રુઆરી 2023 | +0.25% | 6.50% |
રેપો રેટ ઘટવાનો તબક્કો (વર્ષ 2025):
| મહિનો અને વર્ષ | ફેરફાર | નવો રેપો રેટ |
| ફેબ્રુઆરી 2025 | -0.25% | 6.25% |
| એપ્રિલ 2025 | -0.25% | 6.00% |
| જૂન 2025 | -0.50% | 5.50% |
| ડિસેમ્બર 2025 | -0.25% | 5.25% |
રેપો રેટ વધવાથી કોના પર સૌથી વધુ અસર પડે છે?
જ્યારે પણ આરબીઆઈ રેપો રેટ વધારે છે ત્યારે તેની સૌથી વધુ અને સીધી અસર લોન લેનારા ગ્રાહકો અને બેંકિંગ સેક્ટર પર પડે છે. જે લોકોએ ફ્લોટિંગ રેટ પર હોમ લોન લીધી છે, તેમના પર પણ તેની અસર જોવા મળે છે.
