RBI auto debit rules: જો તમે પણ બેંક ખાતામાંથી અચાનક પૈસા કપાઈ જવાની સમસ્યાથી પરેશાન છો, તો તમારા માટે આ ખૂબ જ કામના સમાચાર છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ ગ્રાહકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ઈ મેન્ડેટ (ઓટો ડેબિટ) સંબંધિત નવા નિયમો લાગુ કર્યા છે. આ નવા ફેરફાર મુજબ, હવે તમારી જાણ બહાર તમારા ખાતામાંથી કોઈપણ પ્રકારના પેમેન્ટ માટે પૈસા કાપવામાં આવશે નહીં. જેમના EMI, વીજળીના બિલ કે OTT સબ્સ્ક્રિપ્શન દર મહિને આપમેળે કપાઈ જાય છે, તેમના માટે આ નિયમ ખૂબ ફાયદાકારક અને સુરક્ષિત સાબિત થશે.

પૈસા કપાતા પહેલા 24 કલાક અગાઉ મળશે ચેતવણી

આ નવા નિયમમાં સૌથી મોટી અને સારી વાત એ છે કે હવે બેંક કે કંપનીએ કોઈપણ ઓટો પેમેન્ટ કાપતા પહેલા ગ્રાહકને જાણ કરવી પડશે. તમારા ખાતામાંથી પૈસા કપાવાના હશે તેના બરાબર 24 કલાક પહેલાં તમને એક એલર્ટ મેસેજ આવશે. આ મેસેજમાં કઈ કંપની પૈસા કાપી રહી છે, કેટલી રકમ કપાશે અને કઈ તારીખે કપાશે તેની પૂરી માહિતી આપેલી હશે. આનો સીધો ફાયદો એ થશે કે જો તમને કોઈ પેમેન્ટ ખોટું કે અનિચ્છનીય લાગે, તો તમે તેને સમયસર અટકાવી શકશો.

Continues below advertisement
Continues below advertisement

તમારી મંજૂરી વિના ઓટો પેમેન્ટ શરૂ નહીં થઈ શકે

હવે કોઈ કંપની પોતાની મરજીથી તમારા ખાતા પર ઓટો પેમેન્ટ શરૂ નહીં કરી શકે.

નવા નિયમો મુજબ, ગ્રાહકોએ કોઈપણ ઓટો પેમેન્ટ એક્ટિવ કરતા પહેલા એકવાર ફરજિયાત રજિસ્ટ્રેશન કરાવવું પડશે.

આ ઉપરાંત, ગ્રાહકની મંજૂરી માટે વધારાની ચકાસણી (verification) પણ ફરજિયાત કરવામાં આવી છે. આનાથી તમારા બેંક એકાઉન્ટની સુરક્ષા વધુ મજબૂત બનશે.

કઈ સેવાઓ પર નિયમ લાગુ થશે અને ક્યાં નહીં?

તમને જણાવી દઈએ કે આ નવા ઓટો પેમેન્ટના નિયમો OTT સબ્સ્ક્રિપ્શન, વીમાના પ્રીમિયમ, લાઇટ બિલ, પાણીના બિલ અને લોનના EMI જેવી તમામ સેવાઓ પર લાગુ થશે. આ સિવાય કાર્ડ, UPI કે પ્રીપેડ પદ્ધતિઓથી થતા ઓટો ડેબિટનો પણ આમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

જોકે, કેટલાક કિસ્સાઓમાં આ નવા નિયમો લાગુ પડશે નહીં. ઉદાહરણ તરીકે, જો તમે તમારા FASTag અથવા નેશનલ કોમન મોબિલિટી કાર્ડમાં ઓટો રિચાર્જ સેટ કર્યું હશે, તો તેના પર આ નવા નિયમની અસર નહીં થાય. આ સેવાઓ માટે અગાઉની સિસ્ટમ જ ચાલુ રહેશે.