No Relief From High EMI: ઓગસ્ટના બીજા સપ્તાહમાં એટલે કે 10 ઓગસ્ટ, 2023ના રોજ આરબીઆઈ મોનેટરી પોલિસી કમિટીની બેઠક બાદ લેવાયેલા નિર્ણયની જાહેરાત કરશે. અને એવું માનવામાં આવે છે કે, આ બેઠકમાં આરબીઆઈએ તેના પોલિસી રેટ એટલે કે રેપો રેટમાં કોઈ ફેરફાર કરવો જોઈએ નહીં. એટલે કે, રેપો રેટ 6.50 ટકાના વર્તમાન સ્તર પર રાખવામાં આવી શકે છે. HSBCએ પણ પોતાના રિપોર્ટમાં આવું જ કહ્યું છે.


મોંઘી EMIમાંથી નહીં મળે રાહત!


આરબીઆઈનો આ નિર્ણય તે લોકોને સૌથી વધુ આંચકો આપનાર છે જેઓ મોંઘી ઈએમઆઈમાંથી રાહત મળવાની આશા રાખતા હતા. મે મહિનામાં છૂટક મોંઘવારી દર ઘટીને 4.25 ટકા પર આવી ગયો હતો ત્યારે એવી આશા હતી કે આગામી દિવસોમાં સસ્તી લોનનો યુગ શરૂ થઈ શકે છે. પરંતુ જ્યારે જૂન મહિનાના આંકડા જાહેર કરવામાં આવ્યા ત્યારે રિટેલ ફુગાવાનો આંકડો 50 બેસિસ પોઈન્ટથી વધુના ઉછાળા સાથે 4.81 ટકા પર પહોંચી ગયો હતો. ત્યારથી મોંઘી EMIની રાહતની આશાઓ પર પાણી ફેરવવાનું શરૂ થઈ ગયું છે.


ખાદ્ય ચીજવસ્તુઓની મોંઘવારીથી સમસ્યા વધી 


જૂન મહિનામાં અસમાન વરસાદને કારણે ટામેટાના ભાવમાં 400 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો અને ઘણી જગ્યાએ ટામેટાં 250 રૂપિયા પ્રતિ કિલોના ભાવે મળતા હતા. અસમાન વરસાદ, પૂર અને ચોમાસાના વિલંબિત આગમનને કારણે વિવિધ રાજ્યોમાં ખરીફ પાકની વાવણીને અસર થઈ છે. જેના કારણે ચોખાના ભાવમાં ભારે ઉછાળો આવ્યો છે. નિયમ પ્રમાણે સરકારે નોન-બાસમતી ચોખાની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે. અડધની દાળના ભાવ આસમાને છે. અડદ દાળ છૂટક બજારમાં 180 થી 200 રૂપિયા પ્રતિ કિલોના ભાવે મળે છે. ઘઉંના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. સરકાર દ્વારા ઘઉંની નિકાસ પર પ્રતિબંધ ચાલુ રાખવામાં આવ્યો છે. આવતા વર્ષે લોકસભાની ચૂંટણી છે. આ સ્થિતિમાં સરકાર કોઈ જોખમ લેવા માંગતી નથી.


મોંઘવારી સામેની લડાઈ પૂરી થઈ નથી


ખાદ્ય ફુગાવો ઊંચો રહી શકે છે. રશિયા અને યુક્રેન વચ્ચેના તણાવને કારણે છેલ્લા એક સપ્તાહમાં આંતરરાષ્ટ્રીય બજારમાં ઘઉંના ભાવમાં તીવ્ર ઉછાળો આવ્યો છે. ખાદ્યતેલના ભાવમાં ફરી વધારો જોવા મળી રહ્યો છે. આ સ્થિતિમાં મોંઘવારી સતત વધવાને કારણે મોંઘી EMIમાંથી રાહત મળવાની શક્યતાઓ ધૂંધળી બની રહી છે. RBI ગવર્નર શક્તિકાંત દાસે વારંવાર પુનરોચ્ચાર કર્યો છે કે, મોંઘવારી સામેની લડાઈ હજુ પૂરી થઈ નથી. હવે ફરી મોંઘવારીની ડાકણ મોં ખોલવા લાગી છે. તેથી 8 થી 10 ઓગસ્ટ દરમિયાન યોજાનારી આરબીઆઈની નાણાકીય નીતિની બેઠકમાંથી કોઈ રાહતની અપેક્ષા રાખવી વ્યર્થ છે.