નવી દિલ્હીઃ શેરબજારમાં ચાલી રહેલા ઉતાર-ચઢાવ વચ્ચે સોમવારે એસબીઆઇ કાર્ડનો આઇપીઓ સ્ટોક માર્કેટમાં ડિસ્કાઉન્ટ સાથે લિસ્ટ થયો છે. 755ની પ્રાઈઝની સામે એસબીઆઈ કાર્ડનો શેર 12.45 ટકાના ઘટાડા સાથે એનએસઈ પર 661 અને બીએસઈ પર 558ની કિંમત પર લિસ્ટ થયો છે. આમ જે રોકાણકારોએ આ આઈપીઓમાં લિસ્ટિંગ ગેન માટે રોકાણ કર્યું છે તેને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે.

એ સમયે આ આઈપીઓ માટ ગ્રે માર્કેટમાં 350 રૂપિયા જેટલું પ્રીમિયમ બોલાતું હતું પણ કોરોના વાયરસને કારણે વૈશ્વિક બજારો સાથે ઘરઆંગણે સ્ટોક માર્કેટમાં કડાકો બોલી જતા એસબીઆઈ કાર્ડના સ્ટોકનું ધારણા પ્રમાણે લિસ્ટિંગ થયું નથી અને રોકાણકારોને 30-35 ટકા લિસ્ટિંગ ગેનની આશાની સામે 12-15 ટકા જેટલું નુકસાન ઉઠાવવાનો વારો આવ્યો છે.



આ આઇપીઓ સબ્સક્રિપ્શન માટે 2-5 માર્ચના રોજ ખુલ્યો હતો. એસબીઆઇ કાર્ડ્સના આઇપીઓને શેરબજારમાં જબરદસ્ત પ્રતિક્રિયા મળી હતી. આ આઇપીઓને 26 ગણી વધુ બોલી મળી હતી. શેરબજારના નિષ્ણાંતો અનુસાર, બજારની જે સ્થિતિ છે તેમાં આ આઇપીઓના પ્રીમિયમ મળવાની ઓછી આશા છે. તેની ફ્લેટ અથવા ડિસ્કાઉન્ટ પર લિસ્ટિંગ થઇ શકે છે. જો એવું થાય છે તો મોટા રોકાણકારોને ભારે ઝટકો લાગશે જેમણે ઉંચા વ્યાજ દર પર લોન લઇને આ આઇપીઓમાં રોકાણ કર્યું છે.

ગ્રે માર્કેટમાં એસબીઆઇ કાર્ડનો આઇપીઓ શુક્રવારે ઇશ્યૂ પ્રાઇસથી 20-25 ટકા ડિસ્કાઉન્ટ સાથે ટ્રેડ કરી રહ્યો હતો. આ આઇપીઓ માટે પ્રાઇસ બેન્ડ મહતમ 755 રૂપિયા નક્કી કરવામાં આવી હતી. શુક્રવારે સવારે જ્યારે નિફ્ટીએ 10 ટકા લોઅર સર્કિટ લિમિટ ટચ કરી હતી ત્યારે આ આઇપીઓ 755 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યો હતો. બાદમાં જ્યારે બજારમાં તેજી આવી ત્યારે ડિસ્કાઉન્ટમાં પ્રતિ શેર 5 રૂપિયાનો સુધારો જોવા મળ્યો હતો. જો આ આઇપીઓ પોતાના પ્રાઇસ બેન્ડ અથવા થોડો વધારે ચઢીને લિસ્ટ થાય છે તો મોટા રોકાણકારોને નુકસાન ઉઠાવવું પડી શકે છે કારણ કે તેમણે ઉંચા વ્યાજ દર પર લોન લીધી હતી.