નવી દિલ્હીઃ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની યોજના જો સફળ થાય તો ટૂંકમાં જ દરેક જગ્યાએ જોવા મળતા પ્લાસ્ટિકના ડેબિટ કાર્ડ ભૂતકાળ બની જશે. દેશની સૌથી મોટી બેંક તેની જગ્યાએ વધુમાં વધુ ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ લાવાવની દિશામાં કામ કરી રહી છે. એસબીઆઇ ચેરમેન રજનીશ કુમારે જણાવ્યું કે બેન્ક ડેબિટ કાર્ડ મુક્ત દેશ બનાવવામાં ‘યોન’ એપ સૌથી મોટી ભુમિકા નિભાવશે. તેનો અર્થ એ છે કે આવનારા દિવસોમાં યોનો એપ દ્વારા કેશ ઉપાડી શકાશે.


તેના માટે તમારા ફોનમાં એસબીઆઇની યોનો એપ ઇન્સ્ટોલ કરવાની રહેશે. તે બાદ યોનો એપની યોનો કેશ કેટેગરી સિલેક્ટ કરવાની રહેશે. આ કેટેગરી ખુલતાં જ તમારે જેટલા રૂપિયા ઉપાડવા છે એટલી રકમ એન્ટર કરવાની રહેશે. બાદમાં તમારે 6 ડિજિટનો ટ્રાન્ઝેક્શન પિન સિલેક્ટ કરવાનો છે. આ પિનની જરૂરિયાત એટીએમમાંથી પૈસા ઉપાડતી વખતે પડશે. આ ઉપરાંત તમારા રજીસ્ટર્ડ મોબાઇલ નંબર પર એક મેસેજ આવશે. આ મેસેજમાં એક ટ્રાન્ઝેક્શન નંબર હશે.

બાદમાં એસબીઆઈના નજીકના ‘યોનો કેશપોઇન્ટ’ એટીએમ પર જવાનુ રહેશે. અહી એટીએમ સ્ક્રીન પર યોનો કેશ ઓપ્શન સિલેક્ટ કરવાનો છે. તેને સિલેક્ટ કર્યા બાદ તમારી પાસે ટ્રાન્ઝેક્શન નંબર માગવામાં આવશે. મેસેજમાં મળેલ ટ્રાન્ઝેક્શન નંબર અહીં એન્ટર કરવાનો રહેશે. બાદમાં એમાઉન્ટ ટાઈપ કરીને યોનો એપમાં સિલેક્ટ 6 ડિજિટનો પિન એન્ટર કરવાનો છે. પિન નાંખ્યા બાદ તમને કેશ મળી જશે. ગ્રાહકે પિન અને ટ્રાન્જેક્શન નંબર બંનેની મદદથી આગામી 30 મિનિટમાં આ પ્રક્રિયા પૂરી કરવાની રહેશે. તે બાદ આ નંબર અમાન્ય થઇ જશે.