નવી દિલ્હીઃ દેશની સૌથી મોટી બેંક ભારતીય સ્ટેટ બેંકે વ્યાજ નક્કી કરવાના મામલે નીતિગત દરમાં ઘટાડાનો લાભ તાત્કાલીક પોતાના ગ્રાહકોને આપવા માટે મહત્ત્વનો નિર્ણય કર્યો છે. એસબીઆઈએ શુક્રવારે બચત જમા તતા ટૂંકાગાળાની લોન માટે વ્યાજ દરમાં રિઝર્વ બેંકના રેપો રેટ સાથે જોડવાની જાહેરાત કરી છે. આમ કરનાર એસબીઆઈ દેશની પ્રથમ બેંક હશે.


એસબીઆઈએ રવિવારે મોડી સાજે એક નિવેદનમાં કહ્યું કે નવા દરો 1 મેથી પ્રભાવી થશે. આ પગલાથી રિઝર્વ બેંકના નીતિગત દર (રેપો રેટ)માં કાપનો ફાયદો તાત્કાલીક અસરથી ગ્રાહકોને મળશે. રિઝર્વ બેંક, બેંકોની સાથે વારંવાર આ મુદ્દાને ઉઠાવતી રહી છે કે તેઓ જેટલો રેપો રેટ ઘટાડે છે, બેંક તેનો લાભ પોતાના ગ્રાહકોને નથી આપતી.



એસબીઆઈએ પોતાના નિવેદનમાં કહ્યું કે, આરબીઆઈના રેપો રેટમાં ફેરફાર ત્વરિત રીતે ગ્રાહકોને આપવાના મુદ્દાનાઉકેલ માટે 1 મે 2019થી અમે બચત બેંક જમા તથા ટૂંકા ગાળાની લોન માટે વ્યાજ દરને રિઝર્વ બેંકના રેપો રેટથી જોડવાનો નિર્ણય કર્યો છે.

આ પગલાથી તમામ જમાકર્તાઓને લાભ નહીં મળે, કારણ કે નવા દર તે જ ખાતાઓ પર લાગુ થશે જેના ખાતામાં એક લાખ રૂપિયાથી વધુ રકમ જમા હશે. રેપો રેટ હાલમાં 6.25 ટકા છે. કેન્દ્રીય બેંકે 7 ફેબ્રુઆરીએ રેપો રેટમાં 0.25 ટકાનો ઘટાડો કર્યો છે.



બેંકે કહ્યું કે તેઓ એક લાખ રૂપિયાથી વધુ જમા પર વ્યાજને રેપો રેટ સાથે જોડશે. હાલ તેની પર વ્યાજ 3.5 ટકા છે જે હાલના રેપો રેટથી 2.75 ટકા ઓછું છે. તેનો અર્થ સ્પષ્ટ છે કે જે ગ્રાહકોના ખાતામાં એક લાખ રૂપિયા હશે, તેમને જ ફાયદો મળશે.