મુંબઈ: ભારતીય શેરબજારએ ફરી એક વખત ઈતિહાસ રચ્યો છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) પર સેન્સેક્સ પ્રથમ વખત 60 હજારના આંકડાને સ્પર્શી ગયો છે. શુક્રવારે સવારે શેરબજાર ખુલતાની સાથે જ સેન્સેક્સ 273 અંક ઉછળીને 60 હજારની પાર ગયો છે. સેન્સેક્સ 273 પોઇન્ટના વધારા સાથે 60,158.76 પર ખુલ્યો હતો. એક દિવસ અગાઉ સેન્સેક્સ 59,885 પોઇન્ટ પર બંધ થયો હતો. ગુરુવારે બીએસઈ સેન્સેક્સમાં 958 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો. શુક્રવારે પણ સેન્સેક્સમાં જોરદાર ઉછાળો આવ્યો છે.
સેન્સેક્સના 30 શેરોમાંથી 19 શેરો ઉછાળા સાથે અને 11 શેર ઘટાડા સાથે વેપાર કરતા જોવા મળી રહ્યા છે. જેમાં ઇન્ફોસીસ, એચસીએલ ટેક અને ટીસીએસના શેરમાં 1%થી વધુનો વધારો થયો છે, જ્યારે ટાટા સ્ટીલના શેરમાં લગભગ 1%નો ઘટાડો જોવા મળી રહ્યો છે.
આઈટી શેરોના જોરે આજે બજારમાં તેજી જોવા મળી રહી છે. એનએસઈ પર આઈટી ઈન્ડેક્સ 2% થી વધુના ઉછાળા સાથે ટ્રેડ કરી રહ્યો છે. L&T નો સ્ટોક ઇન્ડેક્સમાં 6% થી વધારે છે. Mphasis નો શેર 4% અને વિપ્રોનો શેર 2% થી વધુનો ઉછાળો જોવા મળ્યો છે.
બીજી બાજુ, નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી પણ આજે ઈતિહાસ રચી શકે છે. નિફ્ટી 18 હજારનો આંકડો પાર કરવામાં માત્ર થોડા પોઈન્ટ પાછળ છે. ગુરુવારે નિફ્ટી 276.30 અંક એટલે કે 1.57 ટકા ઉછળીને વિક્રમજનક 17,822.95 અંક પર બંધ થયો હતો. અમેરિકી સેન્ટ્રલ બેંક ફેડરલ રિઝર્વે ગુરુવારે વ્યાજ દરોમાં કોઈ ફેરફાર કર્યો નથી, જેના કારણે ભારત સહિત વિશ્વભરના શેરબજારોમાં તેજી જોવા મળી રહી છે. જોકે, ગુરુવારે યુએસ માર્કેટમાં માત્ર એક ટકાનો વધારો થયો હતો.
આ સાથે જ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાના પ્રવાસે છે. ગુરુવારે અમેરિકામાં પીએમ મોદી સાથેની બેઠક દરમિયાન બ્લેકસ્ટોનના સીઈઓ સ્ટીફન શ્વાર્ઝમેને કહ્યું હતું કે, "ભારત વિશ્વમાં રોકાણ માટે બ્લેકસ્ટોનનું શ્રેષ્ઠ બજાર રહ્યું છે. તે હવે વિશ્વનો સૌથી ઝડપથી વિકસતો દેશ છે. તેથી જ આપણે ખૂબ જ વિકસિત છીએ. આશાવાદી અને અમને ગર્વ છે કે અમે ભારતમાં સારું રોકાણ કર્યું છે."