નવી દિલ્હી: વેદાંત ફેશન્સ લિમિટેડના IPOમાં રોકાણનો આજે છેલ્લો દિવસ છે. કંપની માન્યવર અને મોહેય બ્રાન્ડ્સ હેઠળ વસ્ત્રોનું વેચાણ કરે છે. જો કે છેલ્લા બે દિવસમાં તેને રોકાણકારો તરફથી બહુ પ્રતિસાદ મળ્યો નથી. કંપનીના IPOના બીજા દિવસ સુધીમાં, માત્ર 21 ટકા સબસ્ક્રાઇબ થયા છે (Manyavar IPO Subscription).
રોકાણકારોનો પ્રતિસાદ સુસ્ત
આ IPOને રોકાણકારો તરફથી સુસ્ત પ્રતિસાદ મળ્યો છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) પર ઉપલબ્ધ ડેટા મુજબ, કંપની દ્વારા ઓફર કરાયેલા 2,54,55,388 શેરમાંથી, માત્ર 52,37,564 શેર માટે બિડ મળી હતી. વેદાંત ફેશન્સનો IPO શુક્રવારે 4 ફેબ્રુઆરીએ સબસ્ક્રિપ્શન માટે ખુલ્યો હતો. આ IPO પ્રથમ દિવસે માત્ર 14 ટકા સબસ્ક્રાઇબ થયો હતો. અત્યાર સુધીમાં, આ IPOમાં રિટેલ વ્યક્તિગત રોકાણકારો (Retail Investors) તરફથી 31 ટકા બિડ્સ, ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યુશનલ બાયર્સ (QIBs) તરફથી 11 ટકા અને નોન-ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ (NIIs) તરફથી 9 ટકા બિડ પ્રાપ્ત થઈ છે. આ IPO ઑફર ફોર સેલ (OFS) ના રૂપમાં છે. કંપનીના પ્રમોટરો અને હાલના શેરધારકોએ આ IPOમાં 3,63,64,838 શેર વેચવાની ઓફર કરી છે. કંપનીના પ્રમોટરોમાં રવિ મોદી, શિલ્પી મોદી અને રવિ મોદી ફેમિલી ટ્રસ્ટનો સમાવેશ થાય છે.
કંપની રૂ. 3,149 કરોડ એકત્ર કરવાની અપેક્ષા રાખે છે
આ IPOમાં કંપનીના એક રૂપિયાના શેરની કિંમત 824 રૂપિયાથી 866 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે. અહીં જણાવી દઈએ કે વેદાંત ફેશન્સે ગુરુવારે એન્કર રોકાણકારો પાસેથી 945 કરોડ રૂપિયા એકત્ર કર્યા હતા. IPO પ્રાઇસ બેન્ડના ઉપલા સ્તરે રૂ. 3,149 કરોડ એકત્ર કરે તેવી ધારણા છે. રોકાણકારો આજે એટલે કે મંગળવાર, 8 ફેબ્રુઆરી સુધી આ IPOમાં સબ્સ્ક્રાઇબ કરી શકે છે.
ગ્રે માર્કેટમાં કિંમત શું છે
ગ્રે માર્કેટમાં વેદાંત ફેશન્સના શેરનો ભાવ સારો દેખાવ કરી રહ્યો નથી. મંગળવારે ગ્રે માર્કેટમાં વેદાંત ફેશન્સના અનલિસ્ટેડ શેર રૂ. 40ના પ્રીમિયમ પર ટ્રેડ થતા જોવા મળ્યા હતા. IPOમાં શેરની ફાળવણી 11 ફેબ્રુઆરીએ થશે. કંપનીના શેર 16 ફેબ્રુઆરીએ બોમ્બે સ્ટોક એક્સચેન્જ અને નેશનલ સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ થશે.