નવી દિલ્હીઃ નાણામંત્રી નિર્મલા સીતારમણના  પતિ અને આંધ્રપ્રદેશ સરકારના પૂર્વ સંચાર સલાહકાર પરાકલા પ્રભાકરે એક અંગ્રેજી ન્યૂઝમાં લેખ લખીને કહ્યું કે, ભારતીય અર્થવ્યવસ્થાની હાલત ખરાબ છે અને તેને સુધારવા માટે સરકારને જરૂરી પગલા ભરવા જરૂરી છે. તેમણે કહ્યું કે સરકાર આ સંકટના ઉકેલ માટે કોઇ રોડમેપ રજૂ કરી શકી નથી.  પ્રભાકર હૈદરાબાદની એક પ્રાઇવેટ કંપની રાઇટ ફોલિયોમાં મેનેજિંગ ડિરેક્ટર પણ છે. તેમણે કહ્યું કે, ભારતીય અર્થવ્યવસ્થાની હાલત ખરાબ છે. સરકાર ભલે તેનો ઇનકાર કરતી હોય પરંતુ જે આંકડાઓ સામે આવી રહ્યા છે તેના પરથી ખ્યાલ આવે છે કે એક-એક કરીને અનેક સેક્ટર સંકટના સમયનો સામનો કરી રહ્યા છે.


તેમણે લેખમાં લખ્યું કે, ભારતીય ખાનગી વપરાશમાં ઘટાડો થયો છે અને આ 18 મહિનાના નીચલા સ્તર 3.1 ટકા સુધી પહોંચી ગયો છે. આ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં જીડીપી ગ્રોથ 6  વર્ષના નીચલા સ્તર પર 5 ટકા પર પહોંચી ગયો છે. બેરોજગારી દર 45 વર્ષના ટોચના સ્તર પર પહોંચી ગયો છે. તેમણે કહ્યું કે, પાર્ટી નેતૃત્વને કદાચ એ વાતનો અહેસાસ હતો કે એટલા માટે  આ વખતે લોકસભા ચૂંટણીમાં પાર્ટીએ પોતાના આર્થિક પ્રદર્શનની કોઇ વાત કરી નહોતી અને સમજદારી સાથે દઢ રાજકીય, રાષ્ટ્રવાદી અને સુરક્ષો એજન્ડાને રજૂ કર્યો હતો.

તેમણે કહ્યું કે, ભાજપ નેહરુવાદી નીતિઓને પુરી રીતે અપનાવવા માંગતી નથી જેની તે ટીકા કરતી રહે છે. આર્થિક નીતિમાં પાર્ટીએ અનેક વાતો અપનાવી નથી અને પરંતુ તે નથી જણાવતી કે તેની પોતાની નીતિ શું છે.