Stock Market Closing, 17th March 2023: ભારતીય શેરબજાર માટે સપ્તાહનો અંતિમ કારોબારી દિવસ શાનદાર રહ્યો. સેન્સેક્સ 350થી વધુ પોઈન્ટના વધારા સાથે બંધ રહ્યું.
આજે કેટલો થયો વધારો
ભારતીય શેરબજારનો સૂચકાંક સેન્સેક્સ 355.06 પોઇન્ટના વધારા સાથે 57,989.90 પર અને નિફ્ટી 114.45 પોઇન્ટના વધારા સાથે 17100.05 પોઇન્ટ પર બંધ રહ્યા. આજના વધારા બાદ રોકાણકારોની સંપત્તિ 257.58 લાખ કરોડ થઈ છે.
કેમ થયો વધારો
સતત બીજા દિવસે બજાર તેજી સાથે બંધ થયું છે. આઈટી-બેંકિંગ શેરોમાં ખરીદીના કારણે સવારથી બજારમાં જોરદાર તેજી જોવા મળી હતી. આ માટે ગ્લોબલ સિગ્નલ પણ જવાબદાર છે.
સેક્ટરોલ અપડેટ
આજના કારોબારમાં બેન્કિંગ, આઈટી, મેટલ્સ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ જેવા સેક્ટરના શેરમાં ઉછાળો જોવા મળ્યો હતો જ્યારે મીડિયા, હેલ્થકેર, એફએમસીજી, ઓટો, ફાર્મા સેક્ટરના શેરમાં ઘટાડો નોંધાયો હતો. મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં પણ તેજી જોવા મળી હતી. સેન્સેક્સના 30 શેરોમાંથી 21 વધ્યા અને 9 ઘટ્યા. તો નિફ્ટીના 50 શેરોમાંથી 37 શેરો તેજી સાથે અને 13 ઘટાડા સાથે બંધ થયા હતા. નિફ્ટી આઈટી 1.18 ટકા અને નિફ્ટી બેન્ક ઈન્ડેક્સ 1.19 ટકાના વધારા સાથે બંધ થયા છે.
રોકાણકારોની સંપત્તિમાં વધારો
રોકાણકારોની સંપત્તિમાં અદભૂત ઉછાળો આવ્યો છે. શેરબજારમાં આવેલી તેજીને કારણે BSE પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ રૂ. 257.58 લાખ કરોડ સુધી પહોંચી ગયું છે, જ્યારે ગુરુવારે તે રૂ. 256.21 લાખ કરોડ હતું. એટલે કે આજના ટ્રેડિંગ સેશનમાં રોકાણકારોની સંપત્તિમાં રૂ. 1.37 લાખ કરોડનો ઉછાળો આવ્યો છે.
આજે કેવી થઈ હતી શરૂઆત
આજે બીએસઈનો સેન્સેક્સ ગઈકાલના 57634.84ની સામે 403.33 પોઈન્ટ વધીને 58038.17 પર ખુલ્યો હતો જ્યારે નિફ્ટી ગઈકાલના 16985.6ની સામે 126.20 પોઈન્ટ વધીને 17111.8 પર ખુલ્યો હતો. બેંક નિફ્ટીની વાત કરીએ તો તે ગઈકાલના 39132.6ની સામે 309.80 પોઈન્ટ વધીને 39442.4 પર ખુલ્યો હતો.
સપ્તાહના પ્રથમ ચાર દિવસ બજાર કેવી રીતે થયું હતું બંધ
ગુરુવારે સેન્સેક્સ 78.94 પોઇન્ટના વધારા સાથે 57,634.84 પોઇન્ટ અને નિફ્ટી 22.75ના વધારા સાથે 17861.54 પર બંધ રહ્યા. બુધવારે 344.29 પોઇન્ટના ઘટાડા સાથે 57555.90 પોઇન્ટ પર અને નિફ્ટી 71.15 પોઇન્ટના ઘટાડા સાથે 16,972.15 પર બંધ રહ્યા હતા. મંગળવારે ભારતીય શેરબજાર આજે 337.66 પોઇન્ટના ઘટાડા સાથે 57,900.19 પોઇન્ટ પર અને નિફ્ટી 113.05 પોઇન્ટના ઘટાડા સાથે 17922.48 પોઇન્ટ પર બંધ રહ્યા હતા. સોમવારે સેન્સેક્સ 897.25 પોઇન્ટના કડાકા સાથે 58,237.85 પોઇન્ટ પર અને નિફ્ટી 271.68 પોઇન્ટના ઘટાડા સાથે 18035.53 પર બંધ રહ્યા હતા.