Stock Market Closing, 1st August, 2023:  ઓગસ્ટ મહિનાના પ્રથમ અને સપ્તાહનો બીજો કારોબારી દિવસ ભારતીય શેરબજાર માટે નિરાશાજનક રહ્યો હતો. વોલેટાલિટીના કારણે આજે ભારતીય શેરબજાર સાધારણ ઘટાડા સાથે બંધ થયું હતું. આજના ઘટાડા બાદ રોકાણકારોની સંપત્તિ રૂ. 306.89 લાખ કરોડ થઈ છે, ગઈકાલે માર્કેટ બંધ રહ્યું ત્યારે બીએસએઈ માર્કેટ કેપ રૂ. 306.62 લાખ કરોડ હતું.


આજે ભારતીય શેરબજારનો સૂચકાંક સેન્સેક્સ 68.36 પોઇન્ટના ઘટાડા સાથે 66,459.31 પોઈન્ટ અને નિફ્ટી 20.25 પોઇન્ટના ઘટાડા સાથે 19,733.55 પોઇન્ટ પર બંધ રહ્યા. બેંક નિફ્ટી પણ 58.6 પોઇન્ટ ઘટીને 45,592.50 પોઇન્ટ પર બંધ રહી. સોમવારે સેન્સેક્સ 367.47 પોઇન્ટના વધારા સાથે 66527.67 પોઇન્ટ પર અને નિફ્ટી 107.75 પોઇન્ટ વધીને 19753.80 પોઇન્ટ પર બંધ થયા હતા.


દિવસભર ઉતાર ચઢાવ


મંગળવારના કારોબારી દિવસે બજાર ક્યારેક લાલ તો ક્યારેક લીલા નિશાનમાં કારોબાર કરતું જોવા મળ્યું. મોટાભાગના સેક્ટરમાં આજે ઘટાડો જોવા મળ્યો હતો. બજારને માત્ર આઈટી સેક્ટરે સપોર્ટ આપ્યો હતો.



નિફ્ટીના વધનારા-ઘટનારા શેર્સ


આજે આઈટી, મેટલ શેર્સમાં ચમકારો જોવા મળ્યો હતો. કોલ ઈન્ડિયા, એનટીપીસી, ટેક મહિન્દ્રા, એચસીએલ ટેક્નોલોજી અને એલટીઆઈ માન્ડટ્રી નિફ્ટીનો ટોચના વધનારા શેર્સ હતા. જ્યારે પાવરગ્રિડ કોર્પોરેશન, હીરો મોટો કોર્પ, અપોલો હોસ્પિટલ્સ, બજાજ ફિનસર્વ અને અદાણી પોર્ટ્સ નિફ્ટીમાં સૌથી વધુ તૂટ્યા હતા. રિયલ્ટી સેક્ટરમાં 2 ટકા અને પીએસયુ બેંક ઈન્ડેક્સમાં 0.5 ટકા ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે ઈન્ફોર્મેશન ટેક્નોલોજી ઈન્ડેક્સ એક ટકા અને મેટલ ઈન્ડેક્સ 0.8 ટકા વધ્યો હતો. બીએસઈ મિડકેપ ઈન્ડેક્સ 0.2 ટકા, જ્યારે સ્મોલકેપમાં પણ 0.5 ટકા ઘટાડો જોવા મળ્યો હતો.


સેક્ટોરલ અપડેટ


આજના ટ્રેડમાં આઈટી ઈન્ડેક્સમાં ઉછાળો જોવા મળ્યો. આઈટી સ્ટોક્સમાં ખરીદીના કારાણે નિફટી આઈટી 360 અંક ઉછળીને 30288 પર બંધ થયો. આ ઉપરાંત ફાર્મા, મેટલ્સ, કોમોડિટી શેરમાં પણ તેજી જોવા મળી. મિડકેપ અને સ્મોલ કેપ શેરમાં પણ તેજી રહી. જ્યારે બેંકિંગ, ઓટો, એફએમસીજી, રિયલ એસ્ટેટ, મીડિયા, એનર્જી, ઈન્ફ્રા, હેલ્થકેર, ઓઇલ એન્ડ ગેસ તથા કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ સેક્ટરમાં તેજી જોવા મળી છે. સેન્સેક્સના 30 શેરમાંથી 15 શેરમાં તેજી અને 15માં ઘટાડો જોવા મળ્યો, જ્યારે નિફટીની 50 શેરમાં 23 શેર વધારા અને 27 ઘટાડા સાથે બંધ થયા.


આજે કેવી થઈ હતી શરૂઆત


વૈશ્વિક બજારમાં તેજીની વચ્ચે આજે સવારે ભારતીય શેરબજારની સામાન્ય ઉછાળા સાથે શરૂઆત થઈ હતી. સેન્સેક્સ 54.58 પોઈન્ટ વધીને 66,582.25 અને નિફ્ટી 12.50 પોઈન્ટ વધીને 19,766.30 પોઈન્ટ પર ખૂલ્યા હતા.