Stock Market Closing: ભારતીય શેરબજારમાં આજે ઉતાર ચઢાવ જોવા મળ્યા હતા. આજે ભારતીય શેરબજાર નજીવા વધારા સાથે બંધ થયું હતું. સેન્સેક્સ 224.16 પોઇન્ટના વધારા સાથે 59,932.24 પોઇન્ટ અને નિફ્ટી -5.9 પોઇન્ટના ઘટાડા સાથે 17610 પર બંધ થયા હતા.
અમેરિકન શોર્ટ સેલર હિંડનબર્ગ રિસર્ચના રિપોર્ટની અસર અટકતી જણાતી નથી. આજે પણ અદાણી ગ્રૂપની કંપનીઓના શેરમાં વેચવાલીનું દબાણ જોવા મળી રહ્યું છે, જેમાંથી મોટાભાગની કંપનીઓના શેર લોઅર સર્કિટ પર સરકી ગયા છે. અદાણી ટ્રાન્સમિશન, અદાણી ગ્રીન એનર્જી, અદાણી પાવર, અદાણી વિલ્મર અને એનડીટીવી લોઅર સર્કિટને સ્પર્શી ગયા હતા. બ્લૂમબર્ગનો અહેવાલ સપાટી પર આવ્યા બાદ અદાણી ગ્રૂપના શેર પર દબાણ વધુ વધ્યું હતું. સૂત્રોને ટાંકીને રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે સિટીગ્રુપના વેલ્થ યુનિટે અદાણી ગ્રૂપની સિક્યોરિટીઝનું મૂલ્ય શૂન્ય સુધી ઘટાડી દીધું છે. આનો અર્થ એ છે કે આ સિક્યોરિટીઝની ગેરંટી સામે કોઈ લોન ઉપલબ્ધ થશે નહીં. આના એક દિવસ પહેલા સ્વિસ ધિરાણકર્તા ક્રેડિટ સુઈસના ખાનગી બેંકિંગ યુનિટે પણ આવો જ નિર્ણય લીધો હતો એટલે કે અદાણી ગ્રુપની સિક્યોરિટીઝનું મૂલ્ય શૂન્ય કરી દીધું હતું.
રોકાણકારોની સંપત્તિ
શેરબજારમાં આજે વધારો થવા છતાં રોકાણકારોની સંપત્તિ ઘટીને 265.84 લાખ કરોડ થઈ છે. જે બુધવારે 266.68 લાખ કરોડ હતી. મંગળવારે શેરબજારમાં વધારા બાદ રોકાણકારોની સંપત્તિ વધીને 268.78 લાખ કરોડ થઈ હતી. 27 જાન્યુઆરીએ BSE પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ ઘટીને રૂ. 269.74 લાખ કરોડ થયું હતુ. જ્યારે 25 જાન્યુઆરી, બુધવારે માર્કેટ કેપ રૂ. 276.69 લાખ કરોડ હતું. ગત સપ્તાહે શુક્રવાર અને બુધવારના બે ટ્રેટિંગ સેશનમાં રોકાણકારોને 10 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું. 24 જાન્યુઆરી, મંગળવારે માર્કેટ કેપ રૂ. 280.37 લાખ કરોડ હતી.
આજે કેવી થઈ હતી શરુઆત
આજે બીએસઈનો સેન્સેક્સ ગઈકાલના 59708.08ની સામે 248.21 પોઈન્ટ ઘટીને 59459.87 પર ખુલ્યો હતો જ્યારે નિફ્ટી ગઈકાલના 17616.3ની સામે 99.20 પોઈન્ટ ઘટીને 17517.1 પર ખુલ્યો હતો. બેંક નિફ્ટીની વાત કરીએ તો તે ગઈકાલના 40513ની સામે 569.65 પોઈન્ટ ઘટીને 39943.35 પર ખુલ્યો હતો. 09:16 કલાકે સેન્સેક્સ 413.60 પોઈન્ટ અથવા 0.69% ઘટીને 59294.48 પર અને નિફ્ટી 145.50 પોઈન્ટ અથવા 0.83% ઘટીને 17470.80 પર છે. લગભગ 918 શેર વધ્યા છે, 1009 શેર ઘટ્યા છે અને 105 શેર યથાવત છે.