Stock Market Closing:  સપ્ટેમ્બર સિરીઝની માર્કેટમાં શાનદાર શરૂઆત થઈ હતી. 01 સપ્ટેમ્બર એટલે કે આજના ટ્રેડિંગમાં સેન્સેક્સ અને નિફ્ટી જોરદાર ઉછાળા સાથે બંધ થયા છે. જ્યારે મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સ રેકોર્ડ હાઈ પર બંધ થયા છે. ફાર્મા સિવાય તમામ સેક્ટર ઇન્ડેક્સમાં વધારો જોવા મળ્યો હતો. ઓટો ઈન્ડેક્સ રેકોર્ડ હાઈ પર બંધ રહ્યો હતો. મેટલ, પીએસઈ અને એનર્જી શેર્સમાં ખરીદી જોવા મળી. ઓટો, ઈન્ફ્રા અને બેન્કિંગ શેર્સમાં ઉછાળો જોવા મળ્યો હતો.


 






સ્થાનિક શેરબજારમાં શુક્રવારે સપ્ટેમ્બર મહિનામાં સારી શરૂઆત કરી હતી. નવા મહિનાના પ્રથમ દિવસે, બંને મુખ્ય સ્થાનિક ઈન્ડેક્સ BSE સેન્સેક્સ અને NSE નિફ્ટીએ લગભગ 1 ટકાનો વધારો નોંધાવ્યો હતો. મોટી કંપનીઓના શેરોએ ખાસ કરીને સારું પ્રદર્શન કર્યું. ટ્રેડિંગના બંઘ થવાના સમયે સેન્સેક્સ 65,400 પોઈન્ટની નજીક પહોંચી ગયો, જ્યારે નિફ્ટી 19,430 અંકને પાર કરવામાં સફળ રહ્યો.


સેન્સેક્સ-નિફ્ટીનું ક્લોઝીંગ લેવન
સપ્તાહના અંતિમ દિવસે સ્થાનિક શેરબજારે તેજી સાથે કારોબારની શરૂઆત કરી હતી. સેન્સેક્સ અગાઉના 64,831.41 પોઈન્ટના બંધ સ્તરની સરખામણીએ 64,855.51 પોઈન્ટ પર મજબૂત ખુલ્યો હતો. ટ્રેડિંગ દરમિયાન તે એકવાર 65,473.27 પોઈન્ટની ઊંચી સપાટીએ પહોંચી ગયો હતો. શુક્રવારના ટ્રેડિંગના અંત પછી, BSE નો 30 શેરનો ઈન્ડેક્સ સેન્સેક્સ 555.75 પોઈન્ટના વધારા સાથે 65,387.16 પોઈન્ટ પર બંધ થયો. તો બીજી તરફ નિફ્ટી 181.50 પોઈન્ટ એટલે કે 0.94 ટકાના વધારા બાદ 19,435.30 પોઈન્ટ પર બંધ થયો હતો.


મોટી કંપનીઓના શેરમાં તેજી
આજના કારોબારમાં મોટાભાગની મોટી કંપનીઓના શેરમાં તેજી રહી હતી. સેન્સેક્સની 30 કંપનીઓમાંથી 4 સિવાય 26 કંપનીના શેર મજબૂતી સાથે બંધ થયા હતા. ટ્રેડિંગના અંત પછી, માત્ર L&T, નેસ્લે ઇન્ડિયા, સન ફાર્મા અને અલ્ટ્રાટેક સિમેન્ટના શેર જ ખોટમાં રહ્યા હતા. તો બીજી તરફ એનટીપીસીનો શેર સૌથી વધુ 5 ટકા મજબૂત થયો છે.


મેટલ સ્ટોક મોખરે 
આજના કારોબારમાં મેટલ શેરોમાં અદભૂત ઉછાળો જોવા મળ્યો હતો. JSW સ્ટીલ અને ટાટા સ્ટીલ બંનેના શેરમાં 3-3 ટકાથી વધુનો ઉછાળો જોવા મળ્યો હતો. મારુતિ સુઝુકીના શેરમાં તેજી ચાલુ રહી હતી. સૌથી મોટી પેસેન્જર કંપનીના શેરનો ભાવ ગઈકાલે પ્રથમ વખત રૂ. 10,000ને પાર કરી ગયો હતો. બેન્કિંગ અને આઈટી શેરોએ પણ આજે સારું પ્રદર્શન કર્યું હતું.


આ શેર્સમાં ઘણો ઉતાર-ચઢાવ જોવા મળ્યો હતો
આજના ટ્રેડિંગમાં ભેલના શેરમાં સૌથી વધુ 15 ટકાનો ઉછાળો આવ્યો હતો. ડીસીએમ શ્રીરામ લિમિટેડ, વોડાફોન આઇડિયા અને જેએમ ફાઇનાન્શિયલના શેરમાં 10 ટકાથી વધુનો વધારો થયો હતો. તો બીજી તરફ, ફાઇવ સ્ટાર બિઝનેસ ફાઇનાન્સ લિમિટેડને લગભગ 5 ટકાનું મહત્તમ નુકસાન થયું હતું. જે શેરોને સૌથી વધુ નુકસાન થયું છે તેમાં GE T&D India, Future Lifestyle Fashions અને HDFC એસેટ મેનેજમેન્ટ કંપની જેવા નામોનો સમાવેશ થાય છે.


 રોકાણકારોની મૂડીમાં રૂ. 2.74 લાખ કરોડનો વધારો 


બજારની તેજી વચ્ચે આજે રોકાણકારો પર પુષ્કળ નાણાનો વરસાદ થયો હતો. એક ટ્રેડિંગ દિવસ અગાઉ એટલે કે 31 ઓગસ્ટ, 2023ના રોજ, BSE પર લિસ્ટેડ તમામ શેરોની કુલ માર્કેટ કેપ રૂ. 309.59 લાખ કરોડ હતી. આજે એટલે કે 1 સપ્ટેમ્બર 2023ના રોજ તે વધીને 312.33 લાખ કરોડ રૂપિયા થઈ ગયો છે. મતલબ કે આજે રોકાણકારોની મૂડીમાં રૂ. 2.74 લાખ કરોડનો વધારો થયો છે.


સેન્સેક્સ વ્યૂ




ટોપ ગેઈનર્સ




ટોપ લૂઝર્સ