Stock Market Closing: ગઈકાલે શેર બજારમાં તેજી જોવા મળ્યા બાદ આજે ફરીથી શેરબજારમાં મંદીનો માહોલ જોવા મળ્યો હતો. આજે સેન્સેક્સ 390 પોઈન્ટના ઘટાડા સાથે 57235.33ની સપાટી પર બંધ થયો હતો. જ્યારે નિફ્ટી 109 પોઈન્ટના ઘટાડા સાથે 17014.35 ની સપાટી પર બંધ થયો હતો. ઉલ્લેખનીય છે કે, ગઈકાલે સેન્સેક્સમાં 478 પોઈન્ટથી વધુ અને નિફ્ટીમાં 140 પોઈન્ટથી વધુનો ઉછાળો આવ્યો હતો. ત્યારે આજે ફરીથી રોકાણકારોના પૈસા ધોવાયા છે.


કંપનીઓની માર્કેટ કેપમાં મોટું ધોવાણઃ


માર્કેટમાં આજના ટ્રેડિંગ સેશનમાં કુલ 3562 શેરોમાંથી 1309 શેર ઉછાળા સાથે બંધ થયા હતા, જ્યારે 2119 શેર ઘટાડા સાથે બંધ થયા હતા. 134 શેરના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. જ્યારે 200 શેર અપર સર્કિટથી અને 180 શેર નીચલી સર્કિટથી બંધ થયા હતા. BSE પર લિસ્ટેડ કંપનીઓની માર્કેટ કેપમાં પણ મોટું ધોવાણ જોવા મળ્યું છે, જે મુજબ કંપનીઓની માર્કેટ કેપ રૂ. 2 લાખ કરોડ ઘટીને 269.90 લાખ કરોડ થઈ ગઈ છે.


આ સેક્ટરમાં જોવા મળી તેજી અને મંદીઃ


માર્કેટમાં ડિફેન્સિવ ગણાતા ફાર્મા સેક્ટરના શેરમાં ખરીદારી જોવા મળી હતી. મેટલ્સ અને મીડિયા સેક્ટરના શેરોમાં પણ ખરીદારી જોવા મળી હતી. જ્યારે બેન્કિંગ, ઓટો, આઈટી, FMCG, એનર્જી સેક્ટરના શેરમાં રોકાણકારોએ પ્રોફિટ બુકિંગ કરતાં ભારે વેચવાલી જોવા મળી હતી. સ્મોલ કેપ અને મિડ કેપ ઇન્ડેક્સમાં પણ મોટો ઘટાડો જોવા મળ્યો હતો. નિફ્ટીના 50 શેરોમાંથી 16 શેર વધ્યા હતા અને 34 શેર ઘટીને બંધ થયા હતા. સેન્સેક્સના 30 શેરોમાંથી 8 શેર ઉછાળા સાથે અને 22 ઘટાડાની સાથે બંધ થયા હતા.


આજના ટ્રેડિંગ સેશનમાં HCL ટેક 3.19 ટકા, સન ફાર્મા 1.30 ટકા, ડૉ. રેડ્ડી 0.60 ટકા, રિલાયન્સ 0.37 ટકા, અલ્ટ્રાટેક સિમેન્ટ 0.08 ટકા અને નેસ્લે 0.05 ટકાના વધારા સાથે બંધ થયા હતા. જ્યારે વિપ્રો 7.03 ટકા, SBI 2.36 ટકા, લાર્સન 1.85 ટકા, ICICI બેન્ક 1.60 ટકા, એશિયન પેઇન્ટ્સ 1.12 ટકાના ઘટાડા સાથે બંધ થયા હતા.


લાલ નિશાન પર ખુલ્યા હતા બજારઃ


નબળા વૈશ્વિક સંકેતો વચ્ચે ભારતીય શેરબજારમાં ઘટાડા સાથે શરૂઆત થઈ હતી. આજે બીએસઈનો સેન્સેક્સ ગઈકાલના 57625.91ની સામે 113.17 પોઈન્ટ ઘટીને 57512.74 પર ખુલ્યો હતો જ્યારે નિફ્ટી ગઈકાલના 17123.6ની સામે 36 પોઈન્ટ ઘટીને 17087.35 પર ખુલ્યો હતો.