Stock Market Today: સ્થાનિક શેરબજાર માટે વૈશ્વિક સંકેતો આજે ઘણા નબળા દેખાઈ રહ્યા છે. નબળા સંકેતો વચ્ચે સેન્સેક્સ અને નિફ્ટીમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ 950 પોઈન્ટથી વધુ તૂટ્યો છે. જ્યારે નિફ્ટી 16000 સુધી નીચે આવી ગયો છે. આજના કારોબારમાં બજારમાં ચોતરફ વેચવાલી જોવા મળી રહી છે. બેંક, ફાઈનાન્શિયલ અને આઈટી શેરોમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે.


નિફ્ટી પર બેન્ક અને નાણાકીય સૂચકાંકો લગભગ 2 ટકા જેટલા નબળા પડ્યા છે. જ્યારે આઈટી ઈન્ડેક્સમાં 3 ટકાની નબળાઈ જોવા મળી રહી છે. મેટલ અને રિયલ્ટી ઇન્ડેક્સ 2.5 ટકાથી વધુ ડાઉન છે. ઓટો, ફાર્મા અને એફએમસીજી શેરોમાં પણ વેચવાલી જોવા મળી રહી છે.


હાલમાં સેન્સેક્સમાં 976 પોઈન્ટનો ઘટાડો છે અને તે 53,232.77 ના સ્તર પર ટ્રેડ થઈ રહ્યો છે. જ્યારે નિફ્ટી 257 પોઈન્ટના ઘટાડા સાથે 15983 ના સ્તર પર છે.


હેવીવેઇટ શેરોમાં ભારે વેચવાલી જોવા મળી રહી છે. સેન્સેક્સ 30ના 28 શેરો લાલ નિશાનમાં છે. આજના ટોપ લૂઝર્સમાં BAJAJ TWINS, INFY, TECHM, WIPRO, TATASTEEL, HCLTECH અને SBIN નો સમાવેશ થાય છે.


બજાર ખુલતાની સાથે જ લગભગ 370 શેર વધ્યા છે, 1629 શેર ઘટ્યા છે જ્યારે 73 શેરના ભાવમાં કોઈ ફેરફાર જોવા મળ્યો નથી. 


વૈશ્વિક સંકેતોની વાત કરીએ તો આજના કારોબારમાં મુખ્ય એશિયન બજારોમાં ભારે વેચવાલી જોવા મળી રહી છે. બીજી તરફ બુધવારે અમેરિકી બજારો પણ ભારે ઘટાડા સાથે બંધ થયા છે. વધતી જતી મોંઘવારી, રશિયા-યુક્રેન યુદ્ધનું લંબાણ, સપ્લાય ચેઇનની સમસ્યાઓ, કોવિડ 19ના કારણે ચીનમાં લોકડાઉન અને દર વધારાના ચક્ર સાથે આર્થિક મંદીની અસર શેરબજારો પર પડી રહી છે. આર્થિક મંદીની ચિંતાને કારણે પણ ગ્રોથ સ્ટોકમાં ઘટાડો જોવા મળ્યો હતો.