Stock Market Today: ગત સપ્તાહની શાનદાર તેજી બાદ ભારતીય શેરબજાર જુલાઈના છેલ્લા ટ્રેડિંગ સપ્તાહના પહેલા દિવસે ઘટાડા સાથે ખુલ્યું હતું. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો ઈન્ડેક્સ સેન્સેક્સ 177 પોઈન્ટના ઘટાડા સાથે 55,895 પર ખુલ્યો હતો, જ્યારે નિફ્ટી ઈન્ડેક્સ 43 પોઈન્ટના ઘટાડા સાથે 16,662ની સપાટીએ ખુલ્યો હતો.


મિશ્ર વૈશ્વિક સંકેતો વચ્ચે આજે સ્થાનિક શેરબજારમાં વેચવાલી જોવા મળી રહી છે. ત્રિમાસિક પરિણામો બાદ RIL અને Infosys જેવા શેરોમાં વેચવાલીથી બજારનો મૂડ ખરાબ થયો છે. સેન્સેક્સ અને નિફ્ટી બંને સૂચકાંકો ટ્રેડિંગમાં નબળા પડ્યા છે. સેન્સેક્સમાં લગભગ 200 પોઈન્ટનો ઘટાડો છે, તો નિફ્ટી પણ 16700 સુધી નીચે આવી ગયો છે.


નિફ્ટીના 50 શેરોમાંથી 29 શેર લાલ નિશાનમાં અને 21 શેર લીલા નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે. સેન્સેક્સના 30 શેરોમાંથી 13 શેર લીલા નિશાનમાં અને 17 શેર લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે.


સેક્ટરલ ઈન્ડેક્સની વાત કરીએ તો આજે મોટાભાગના સેક્ટરમાં ઘટાડા સાથે કારોબાર થઈ રહ્યો છે. આજના કારોબારમાં આઈટી, ઓટો અને રિયલ્ટી શેરો દબાણમાં છે. નિફ્ટી પર આઈટી ઈન્ડેક્સ અડધા ટકાથી વધુ નબળો પડ્યો છે. જોકે, બેન્ક અને ફાઈનાન્સિયલ ઈન્ડેક્સ નિફ્ટી પર અડધા ટકાથી વધુ વધ્યા છે. મેટલ ઈન્ડેક્સ પણ લીલા નિશાનમાં જોવા મળી રહ્યો છે. FMCG અને ફાર્મા લાલ નિશાનમાં છે.


હાલમાં સેન્સેક્સમાં 184 પોઈન્ટની નબળાઈ છે અને તે 55,887.96 ના સ્તર પર ટ્રેડ થઈ રહ્યો છે. જ્યારે નિફ્ટી 44 અંકોની નબળાઈ સાથે 16676 ના સ્તર પર કારોબાર કરી રહ્યો છે.


હેવીવેઇટ શેરોમાં મિશ્ર પ્રતિક્રિયા છે. સેન્સેક્સ 30ના 18 શેરો લીલા નિશાનમાં છે. ICICIBANK, TATASTEEL, INDUSINDBK, AXISBANK, KOTAKBANK અને BHARTIARTL આજના ટોપ ગેનર્સમાં સામેલ છે.


આજે વધનારા સ્ટોક


આજે જે શેરો વધી રહ્યા છે તેના પર નજર કરીએ તો, ICICI બેંક 1.14 ટકા, ઇન્ડસઇન્ડ બેંક 0.98 ટકા, ટાટા સ્ટીલ 0.79 ટકા, ભારતી એરટેલ 0.66 ટકા, એક્સિસ બેંક 0.63 ટકા, કોટક મહિન્દ્રા 0.59 ટકા, વિપ્રો. 0.51 ટકા, બજાજ ફાઇનાન્સ 0.38 ટકાના વધારા સાથે કારોબાર કરી રહ્યા છે.


આજે ઘટનારા સ્ટોક


જો આપણે ઘટાડા સાથે ટ્રેડ કરી રહેલા શેરો પર નજર કરીએ તો, રિલાયન્સ 3.52 ટકા, અલ્ટ્રાટેક સિમેન્ટ 0.91 ટકા, નેસ્લે 0.90 ટકા, સન ફાર્મા 0.87 ટકા, એચડીએફસી 0.85 ટકા, ટેક મહિન્દ્રા 0.76 ટકાના ઘટાડા સાથે ટ્રેડ કરી રહ્યાં છે.