UIDAI new rule: જો તમે અવારનવાર મુસાફરી કરો છો અને હોટલમાં રોકાવ છો, તો આ સમાચાર તમને મોટી રાહત આપશે. હવે OYO રૂમ્સ કે અન્ય કોઈપણ હોટલમાં ચેક-ઈન વખતે તમારે તમારા આધાર કાર્ડની ફોટોકોપી (ઝેરોક્ષ) આપવાની જરૂર રહેશે નહીં. UIDAI (યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા) નાગરિકોની અંગત માહિતી સુરક્ષિત રાખવા માટે એક નવી સિસ્ટમ પર કામ કરી રહ્યું છે. હવે હોટલ કે અન્ય સંસ્થાઓ માત્ર QR કોડ સ્કેન કરીને અથવા એપ દ્વારા જ તમારી ઓળખની ખરાઈ કરશે, જેથી પેપરલેસ વેરિફિકેશન શક્ય બનશે.

Continues below advertisement

આધારની ઝેરોક્ષ માંગવી હવે ગણાશે ગેરકાયદેસર

UIDAI ના CEO ભુવનેશ કુમારે એક મહત્વપૂર્ણ જાહેરાત કરતા જણાવ્યું છે કે નાગરિકોની ગોપનીયતા (Privacy) અને ડેટાની સુરક્ષા સરકાર માટે સર્વોપરી છે. આ ઉદ્દેશ્યને સિદ્ધ કરવા માટે ઓથોરિટી ટૂંક સમયમાં એક નવું નોટિફિકેશન બહાર પાડશે. આ નવા નિયમ મુજબ, હવેથી હોટલ, ગેસ્ટ હાઉસ, ઈવેન્ટ ઓર્ગેનાઈઝર્સ કે અન્ય કોઈપણ ખાનગી સંસ્થાઓ ગ્રાહક પાસે ઓળખના પુરાવા તરીકે આધાર કાર્ડની ફિઝિકલ કોપી માંગી શકશે નહીં. આધાર એક્ટ મુજબ બિનજરૂરી રીતે ફોટોકોપી એકઠી કરવી એ કાયદાનું ઉલ્લંઘન ગણાશે.

Continues below advertisement

નવી ટેકનોલોજી: QR કોડ અને એપ દ્વારા વેરિફિકેશન

હવે સવાલ એ થાય કે ઝેરોક્ષ નહીં આપીએ તો વેરિફિકેશન કેવી રીતે થશે? આ માટે UIDAI રજિસ્ટર્ડ સંસ્થાઓને અધ્યતન ટેકનોલોજી પૂરી પાડશે.

QR કોડ સ્કેનિંગ: હોટલ સંચાલકો હવે ગ્રાહકના આધાર કાર્ડ પર આપેલો QR કોડ સ્કેન કરીને તરત જ વેરિફિકેશન કરી શકશે.

નવી એપ: UIDAI હાલમાં એક નવી એપનું 'બીટા-ટેસ્ટિંગ' કરી રહ્યું છે. આ એપ દ્વારા 'એપ-ટુ-એપ' વેરિફિકેશન થશે. ખાસ વાત એ છે કે આ પ્રક્રિયામાં દરેક વખતે સેન્ટ્રલ ડેટાબેઝ સાથે કનેક્ટ થવાની જરૂર રહેશે નહીં, જે પ્રક્રિયાને ઝડપી અને સુરક્ષિત બનાવશે.

એરપોર્ટ અને દુકાનો પર પણ લાગુ થશે નિયમ

માત્ર હોટલો જ નહીં, પરંતુ આ નવો નિયમ એરપોર્ટ અને અમુક ચોક્કસ વસ્તુઓ વેચતી દુકાનો (જ્યાં ઉંમરની ખરાઈ જરૂરી હોય) પર પણ લાગુ થશે. આ તમામ સ્થળોએ હવે પેપરલેસ વેરિફિકેશનને પ્રોત્સાહન આપવામાં આવશે. જે સંસ્થાઓ ઓફલાઈન વેરિફિકેશન કરે છે, તેમને પોતાની સિસ્ટમ અપડેટ કરવા માટે UIDAI તરફથી API (એપ્લિકેશન પ્રોગ્રામિંગ ઈન્ટરફેસ) આપવામાં આવશે.

ડેટા લીક અને દુરુપયોગ પર લાગશે લગામ

ભુવનેશ કુમારે ભારપૂર્વક જણાવ્યું હતું કે આ નવી પહેલનો મુખ્ય હેતુ ગ્રાહકોની સુરક્ષા છે. ઘણીવાર હોટલોમાં આપેલી આધારની ઝેરોક્ષનો દુરુપયોગ થવાની ભીતિ રહેતી હોય છે. પેપરલેસ સિસ્ટમથી આ જોખમ સંપૂર્ણપણે નાબૂદ થશે. આ નવી વ્યવસ્થા આગામી 18 મહિનામાં સંપૂર્ણ રીતે લાગુ થવા જઈ રહેલા 'ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન એક્ટ' (DPDP Act) સાથે સુસંગત હશે, જે નાગરિકોના ડેટાને વધુ સુરક્ષિત બનાવશે.