AADHAAR Update: આધાર કાર્ડ (AADHAAR) એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. આધારના વધતા જતા ઉગયોગની સાથે સાથે હવે તેના દુરુપયોગની ઘટનાઓ પણ છાશવારે સામે આવી રહી છે. આધાર કાર્ડનો દુરુપયોગ કરીને માત્ર નાણાકીય છેતરપિંડી જ નહીં પણ કેટલીક ગુનાહિત પ્રવૃત્તિઓમાં પણ અપરાધીઓ દ્વારા કરવામાં આવે છે. હવે જ્યાં પણ તમારા આધારનો ઉપયોગ થાય છે ત્યાં તમે તે જ સમયે માહિતી મેળવી શકો છો. આ માટે તમારે થોડું કામ કરવું પડશે.


યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI)નું કહેવું છે કે જો આધાર ધારકો તેમના ઈ-મેલ આઈડીને આધાર સાથે લિંક કરશે તો તેમને ઘણો ફાયદો થશે. જ્યારે પણ આધાર નંબર કોઈપણ જગ્યાએ ઉપયોગ માટે પ્રમાણિત કરવામાં આવે છે, ત્યારે વપરાશકર્તાને તેની માહિતી તે જ સમયે મળી જશે. જ્યાં પણ આધારનો ઉપયોગ થાય છે, તે પ્રમાણિત થાય છે. એકવાર ઈ-મેલ આઈડી આધાર સાથે લિંક થઈ જાય, તે જ સમયે ઈ-મેલ પર એક મેસેજ આવશે.


કેવી રીતે લિંક કરવું?


UIDAI એ ટ્વીટ કર્યું છે કે તમારે તમારા ઈ-મેલ આઈડીને આધાર કાર્ડમાં અપડેટ કરવા અને લિંક કરવા માટે નજીકના આધાર કેન્દ્ર પર જવું પડશે. આજકાલ લગભગ દરેક શહેરમાં આધાર કેન્દ્રો છે. ત્યાં નવા આધાર બનાવવા અને અપડેટ કરવા સહિતની તમામ કામગીરી કરવામાં આવે છે. તમને તમારા નજીકના આધાર કેન્દ્ર વિશે માહિતી https://bhuvan.nrsc.gov.in/aadhaar/ પર મળશે.


આધાર 10 વર્ષ જૂનું છે તો તેને અપડેટ કરો


યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) એ હવે આવા લોકોને તેમના આધાર કાર્ડની તમામ વિગતો અપડેટ કરવાની સલાહ આપી છે, જેમનું યુનિક આઈડી 10 વર્ષ પહેલા બનાવવામાં આવ્યું હતું અને તેઓએ આ સમયગાળામાં ક્યારેય અપડેટ કર્યું નથી. UIDAIએ આધાર કાર્ડ ધારકોને ઓળખના પુરાવા અને સરનામાના પુરાવા સાથે સંબંધિત દસ્તાવેજો અપડેટ કરવાની પણ સલાહ આપી છે.


આધાર ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે અપડેટ કરી શકાય છે. UIDAIએ સ્પષ્ટતા કરી છે કે આવું કરવું ફરજિયાત નથી. પરંતુ, તે આધાર ધારકોના હિતમાં છે. UIDAI કહે છે કે આધારને ઑનલાઇન અપડેટ કરવા માટે, વ્યક્તિએ MyAadhaar પોર્ટલની મુલાકાત લેવી પડશે. સાથે જ આધાર ધારકો પણ આધાર કેન્દ્રની મુલાકાત લઈને આ કામ કરી શકે છે.