જો તમે UPI મારફતે વીમા, રોકાણ અથવા ઓનલાઈન શોપિંગ જેવી મોટી ચુકવણી કરો છો તો તમારા માટે એક મહત્વપૂર્ણ અપડેટ છે. 15 સપ્ટેમ્બર 2025થી UPI ટ્રાન્જેક્શન મર્યાદામાં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. NPCI (નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા) દ્વારા મોટી રકમના ડિજિટલ ટ્રાન્જેક્શન સરળ અને સુરક્ષિત બનાવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
અત્યાર સુધી સામાન્ય UPI ટ્રાન્જેક્શન માટે મર્યાદા 1 લાખ રૂપિયા હતી. પરંતુ કેટલીક ખાસ શ્રેણીઓમાં આ મર્યાદા ખૂબ ઓછી હતી, જેના કારણે યુઝર્સને મુશ્કેલી પડી રહી હતી. આને ધ્યાનમાં રાખીને NPCI એ હવે કેટલીક પસંદ કરેલી 12+ કેટેગરીઓમાં ટ્રાન્જેક્શન મર્યાદા વધારીને 5 લાખ રૂપિયા કરી છે. આ સાથે ઘણી કેટેગરીઓમાં કુલ દૈનિક (24 કલાકમાં) મર્યાદા પણ વધારી દેવામાં આવી છે.
કઈ કેટેગરીઓ પ્રભાવિત થશે?
આ ફેરફારનો સીધો ફાયદો તેમને થશે જેઓ વીમા પ્રીમિયમ ચૂકવે છે, શેરબજારમાં રોકાણ કરે છે, ક્રેડિટ કાર્ડ બિલ ચૂકવે છે, સરકારી પ્લેટફોર્મ પરથી ખરીદી કરે છે અથવા મુસાફરી અને વ્યવસાય સંબંધિત ટ્રાન્જેક્શન કરે છે. હવે, UPI દ્વારા આ બધામાં મોટી રકમની ચુકવણી શક્ય બનશે.
પર્સન-ટુ-પર્સન ટ્રાન્જેક્શન પર શું અસર થશે?
કોઈ નહીં, P2P (વ્યક્તિ-થી-વ્યક્તિ) એટલે કે મિત્રો અથવા પરિવારને પૈસા મોકલવા માટેની મર્યાદા હજુ પણ પ્રતિ ટ્રાજેક્શન 1 લાખ રૂપિયા રહેશે. કારણ કે આ ફેરફાર ફક્ત કેટલીક પસંદ કરેલી શ્રેણીઓ માટે જ લાગુ પડશે.
આ ફેરફાર શા માટે કરવામાં આવ્યો?
NPCIનું કહેવું છે કે જેમ જેમ લોકો ડિજિટલ પેમેન્ટ તરફ આગળ વધી રહ્યા છે તેમ તેમ મોટી રકમની પેમેન્ટની માંગ પણ વધી રહી છે. તેથી UPI ને વધુ કાર્યક્ષમ બનાવવા માટે આ ફેરફારો જરૂરી હતા. આનાથી ગ્રાહકોને સુવિધા તો મળશે જ પરંતુ વ્યવસાય માટે પણ મોટો વેગ મળશે.