Vande Bharat Sleeper Cancellation Rules: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં હાવડા અને કામાખ્યા (ગુવાહાટી) વચ્ચે દેશની પ્રથમ 'વંદે ભારત સ્લીપર' (Vande Bharat Sleeper) ટ્રેનને લીલી ઝંડી આપીને એક નવા યુગની શરૂઆત કરી છે. સુવિધાઓ અને ગતિની દ્રષ્ટિએ વિમાનને ટક્કર આપતી આ ટ્રેનમાં મુસાફરી કરવાનું પ્લાનિંગ કરતા મુસાફરોએ હવે અત્યંત સાવધ રહેવાની જરૂર છે. રેલવે બોર્ડ દ્વારા આ પ્રીમિયમ ટ્રેન માટે ટિકિટ કેન્સલેશન (Cancellation Policy) અને રિફંડના જે નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે, તે તમારા ખિસ્સા પર સીધો બોજ વધારી શકે છે. જો તમે ટિકિટ બુક કર્યા પછી છેલ્લી ઘડીએ પ્લાન બદલો છો, તો તમને મોટું આર્થિક નુકસાન વેઠવું પડી શકે છે.

Continues below advertisement

રેલવે દ્વારા બહાર પાડવામાં આવેલા નવા નોટિફિકેશન મુજબ, વંદે ભારત સ્લીપર ટ્રેનમાં રિફંડ મેળવવું હવે સરળ નથી રહ્યું. સૌથી ચોંકાવનારો નિયમ એ છે કે જો તમે ટ્રેન ઉપડવાના નિર્ધારિત સમયના 8 કલાક પહેલા તમારી કન્ફર્મ ટિકિટ રદ નથી કરાવતા, તો તમને રિફંડ પેટે એક પણ રૂપિયો પાછો મળશે નહીં. એટલે કે તમારા પૂરેપૂરા પૈસા ડૂબી જશે. આ ઉપરાંત, જો તમે ટ્રેન ઉપડવાના 72 કલાકથી લઈને 8 કલાકની વચ્ચે ટિકિટ કેન્સલ કરાવો છો, તો પણ રેલવે દ્વારા ભાડાના 50% રકમ કાપી લેવામાં આવશે, જે મુસાફરો માટે મોટો ફટકો છે. જો તમે 72 કલાક કરતા વધુ સમય પહેલા ટિકિટ રદ કરો છો, તો જ 25% કપાત સાથે બાકીનું રિફંડ મળશે.

બીજો મોટો ફેરફાર 'વઇટિંગ લિસ્ટ' અને સીટ ફાળવણીમાં કરવામાં આવ્યો છે. સામાન્ય ટ્રેનોમાં મુસાફરોને RAC (Reservation Against Cancellation) હેઠળ અડધી સીટની ખાતરી મળતી હતી, પરંતુ વંદે ભારત સ્લીપર માટે રેલવેએ આ RAC સિસ્ટમ સંપૂર્ણપણે નાબૂદ કરી દીધી છે. મતલબ કે હવે કાં તો ટિકિટ કન્ફર્મ હશે અથવા વેઇટિંગમાં, વચ્ચેનો કોઈ વિકલ્પ રહેશે નહીં. આ ઉપરાંત, આ ટ્રેનમાં તમામ પ્રકારના ક્વોટા પણ લાગુ નહીં પડે. માત્ર મહિલાઓ, દિવ્યાંગજન અને વરિષ્ઠ નાગરિકો માટેના ક્વોટા જ માન્ય રહેશે, જ્યારે અન્ય કોઈ VIP કે જનરલ ક્વોટાનો લાભ મળશે નહીં.

Continues below advertisement

રેલવેનો ઉદ્દેશ્ય મુસાફરોને એરલાઇન્સ (Airlines) જેવો અનુભવ આપવાનો છે, તેથી નિયમો પણ તેવા જ કડક બનાવવામાં આવ્યા છે. આ ટ્રેન હાવડા-ગુવાહાટી રૂટ પર મુસાફરીનો સમય અઢી કલાક ઘટાડશે અને આરામદાયક રાત્રિ મુસાફરી પૂરી પાડશે. જોકે, ભાડાના ધોરણો પણ ઉંચા રાખવામાં આવ્યા છે. નવા નિયમ મુજબ, આ ટ્રેનમાં લઘુત્તમ ભાડું 400 કિલોમીટરનું નક્કી કરવામાં આવ્યું છે. એટલે કે, જો તમે 400 કિલોમીટરથી ઓછું અંતર કાપો છો, તો પણ તમારે ચાર્જ તો 400 કિલોમીટરનો જ ચૂકવવો પડશે. આમ, વંદે ભારત સ્લીપરની મુસાફરી લક્ઝરી તો છે જ, પણ સાથે સાથે પ્લાનિંગમાં ચોકસાઈ પણ માંગી લે છે.