RBI Governor on Inflation: ભારતમાં સામાન્ય જનતા વધતી જતી મોંઘવારીના કારણે ચિંતિત છે. છેલ્લા બે મહિનામાં દેશમાં ટામેટા, ડુંગળી સહિત અનેક શાકભાજીના ભાવમાં જબરદસ્ત વધારો થયો છે. આવી સ્થિતિમાં સવાલ એ ઉઠે છે કે શાકભાજીની મોંઘવારીમાં ક્યાં સુધી રાહત મળશે. આ પ્રશ્નનો જવાબ આપતા RBI ગવર્નર શક્તિકાંત દાસે બુધવારે કહ્યું કે સપ્ટેમ્બર સુધીમાં શાકભાજીની કિંમતમાં મોટો ઘટાડો થઇ શકે છે.


મોંઘવારીમાંથી રાહત મળશે


એક કાર્યક્રમમાં આરબીઆઈ ગવર્નરે કહ્યું કે સરકારે યોગ્ય સમયે હસ્તક્ષેપ કર્યો છે. આના કારણે દેશમાં અનાજની કોઈ અછત નથી અને યોગ્ય પુરવઠાને કારણે કિંમતને અંકુશમાં રાખવામાં મદદ મળી છે. આ સાથે તેમણે કહ્યું કે, જો કે મોંઘવારીનો દર હજુ પણ અપેક્ષા કરતા વધારે છે, પરંતુ છેલ્લા કેટલાક મહિનામાં એવા સંકેતો જોવા મળી રહ્યા છે કે આગામી દિવસોમાં મોંઘવારીમાંથી રાહત મળે તેવી અપેક્ષા છે.


શાકભાજીના ભાવ ઘટશે


RBI ગવર્નરે કહ્યું હતું કે જૂલાઈથી ભારતમાં શાકભાજીના ભાવમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. ટામેટાંને કારણે મોંઘવારી દરમાં જબરદસ્ત વધારો થયો છે, પરંતુ સરકારે યોગ્ય સમયે ટામેટાંના ભાવને અંકુશમાં લેવા માટે અનેક પગલાં લીધાં છે. આ સાથે જ બજારમાં ટામેટાનો નવા પાક આવવાના કારણે તેની કિંમતમાં જબરદસ્ત ઘટાડો જોવા મળ્યો છે. ડુંગળીની સપ્લાય ચેઇનને સારી રાખવા માટે સતત ઘણા પગલાં લેવામાં આવી રહ્યા છે. આવી સ્થિતિમાં અમને આશા છે કે સપ્ટેમ્બર સુધીમાં શાકભાજીની મોંઘવારીમાં ઘટાડો જોવા મળી શકે છે.


નોંધનીય છે કે  છૂટક ફુગાવાના દરમાં જૂલાઇમાં જબરદસ્ત વધારો નોંધવામાં આવ્યો છે અને તે 7.44 ટકાના સ્તરે 15 મહિનાની સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગયો છે. જૂલાઈમાં મોંઘવારીમાં જબરદસ્ત વધારો થવા પાછળનું મુખ્ય કારણ શાકભાજી છે.


આરબીઆઈ જરૂરી પગલાં લેશે


નોંધનીય છે કે RBI ગવર્નરને આશા છે કે શાકભાજીના ભાવમાં ઘટાડા પછી આગામી સમયમાં છૂટક ફુગાવાના દરમાં જબરદસ્ત ઘટાડો નોંધાઈ શકે છે અને ત્રીજા ક્વાર્ટર સુધીમાં તે ઘટીને 5.7 ટકા થવાની ધારણા છે. નાણાકીય વર્ષ 2024 માં ફુગાવાનો દર 5.4 ટકા રહેવાની ધારણા છે. આ સાથે શક્તિકાંત દાસે એમ પણ કહ્યું કે સપ્ટેમ્બર 2022થી આરબીઆઈએ મોંઘવારી પર ચાંપતી નજર રાખી છે અને આવનારા સમયમાં પરિસ્થિતિઓ અનુસાર પગલાં લેશે.