EMI Hike In 2022: વર્ષ 2022 સમાપ્ત થવામાં છે. પરંતુ આ વર્ષ મોંઘવારીના નામે રહ્યું છે. કમરતોડ મોંઘવારીએ લોકોના રસોડાના બજેટને બગાડ્યું છે અને સાથે સાથે મોંઘી EMIએ પડતા પર પાટુ જેવો ઘાટ ધડ્યો છે. મોંઘવારી પર અંકુશ લગાવવાના નામે આરબીઆઈએ 7 મહિનામાં તેના પોલિસી રેટ રેપો રેટમાં પાંચ વખત વધારો કર્યો, જેના પરિણામે લોકોની EMI આકાશને આંબી ગઈ. આવક ન વધી પણ ખર્ચ વધી ગયો.
4 મે, 2022 થી, આરબીઆઈએ રિટેલ ફુગાવાના વધારાને કારણે રેપો રેટ વધારવાની પ્રક્રિયા શરૂ કરી. પાંચ નાણાકીય નીતિ બેઠકોમાં, આરબીઆઈએ વિવિધ તબક્કામાં રેપો રેટ 4 ટકાથી વધારીને 6.25 ટકા કર્યો હતો. એટલે કે રેપો રેટમાં 2.25 ટકાનો વધારો કરવામાં આવ્યો હતો. પરિણામે, જેમણે પહેલેથી જ હોમ લોન લીધી હતી, તેમને સૌથી વધુ ફટકો પડ્યો હતો. બેંકો અથવા હોમ ફાઇનાન્સ કંપનીઓ કે જેઓ પાસેથી ઘર ખરીદનારાઓએ હોમ લોન લીધી હતી, તે નાણાકીય સંસ્થાઓએ હોમ લોન પર વ્યાજદર વધારવાનું શરૂ કર્યું. જે બાદ લોકોની EMI મોંઘી થઈ ગઈ.
કોરોના સમયગાળા દરમિયાન વ્યાજ દરો ઘણા નીચે આવ્યા હતા. હોમ લોન પર વ્યાજ દર ઘટીને 6.65 ટકા થયો હતો. જેનો લાભ હાઉસિંગ સેક્ટરને મળ્યો હતો. મકાનોની માંગ વધી. બેંકોને ઘણો ફાયદો થયો. પરંતુ 2022માં હોમ લોનના વ્યાજ દરોએ યુ-ટર્ન લીધો હતો. હવે વ્યાજ દર આસમાને પહોંચી ગયા છે, તો ચાલો હવે તમને જણાવીએ કે 2022માં મોંઘા EMIનો બોજ લોકો પર કેવી રીતે પડ્યો.
20 લાખની હોમ લોન
ધારો કે જો કોઈ વ્યક્તિએ 6.75 ટકાના વ્યાજ દરે 20 વર્ષ માટે 20 લાખ રૂપિયાની હોમ લોન લીધી હોય. RBI રેપો રેટ વધારતા પહેલા 15,207 રૂપિયાની EMI ચૂકવવી પડતી હતી. પરંતુ રેપો રેટ પાંચ વખત વધાર્યા બાદ વ્યાજ દર 9 ટકા પર પહોંચી ગયો છે અને EMI વધીને 17,995 રૂપિયા થઈ ગઈ છે. એટલે કે હવે દર મહિને EMI 2788 રૂપિયા વધી છે. અને વાર્ષિક આ બોજ 33,456 રૂપિયા રહેશે.
40 લાખની હોમ લોન
ચાલો બીજું ઉદાહરણ લઈએ. ધારો કે જો કોઈ વ્યક્તિએ 15 વર્ષ માટે 7.25 ટકા વ્યાજ પર 40 લાખ રૂપિયાની હોમ લોન લીધી હોય, તો રેપો રેટમાં વધારો થાય તે પહેલા તેણે 36,515 રૂપિયાની EMI ચૂકવવી પડી હતી. પરંતુ હવે આ વ્યાજ દર વધીને 9.50 ટકા થઈ ગયો છે. EMI વધીને 41,769 રૂપિયા થઈ ગઈ છે. એટલે કે EMI 5254 રૂપિયા વધી છે. EMI વાર્ષિક 63,048 રૂપિયાથી વધુ ચૂકવવી પડશે.
2023માં મોંઘા EMIમાંથી રાહત મળશે?
વર્ષ 2022માં EMI મોંઘી થઈ ગઈ છે. પરંતુ સવાલ એ ઊભો થાય છે કે શું 2023માં જ્યારે છૂટક મોંઘવારી ઘટવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે ત્યારે મોંઘી EMIમાંથી રાહત મળશે. નવેમ્બર મહિનામાં રિટેલ મોંઘવારી દર ઘટીને 5.88 ટકા પર આવી ગયો છે. અને એવું માનવામાં આવે છે કે 2023 માં વધુ ઘટાડો થઈ શકે છે. જે બાદ લોકોને મોંઘી EMIમાંથી રાહત મળી શકે છે.