Zomato Share Price: 2022-23ના પ્રથમ ત્રિમાસિક ગાળાના પરિણામોની જાહેરાત પછી, Zomatoના શેરમાં મંગળવારના ટ્રેડિંગ સેશનમાં જોરદાર તેજી જોવા મળી રહી છે. સવારે શેર રૂ. 50ના ભાવે ખૂલ્યો હતો અને 18 ટકાના ઉછાળા સાથે શેરનો ભાવ રૂ. 54.95 પર પહોંચ્યો હતો. રોકાણકારો તરફથી શેરમાં ભારે ખરીદી જોવા મળી રહી છે.


પરિણામો બાદ બ્રોકરેજ હાઉસ ઝોમેટો પર તેજી


ઝોમેટોના ત્રિમાસિક પરિણામોની જાહેરાત પછી, ઘણા બ્રોકરેજ હાઉસે રોકાણકારોને શેરમાં ખરીદી કરવાની સલાહ આપી છે, જેના પછી સકારાત્મક સેન્ટિમેન્ટ જોવા મળ્યું છે. વિદેશી બ્રોકરેજ હાઉસ ગોલ્ડમેન સૅક્સે રૂપિયા 100ના ટાર્ગેટ સાથે Zomato શેર ખરીદવાની સલાહ આપી છે. એટલે કે, રોકાણકારો વર્તમાન સ્તરથી 85 ટકા વળતર મેળવી શકે છે. તે જ સમયે, UBS માને છે કે શેર 95 રૂપિયા સુધી જઈ શકે છે એટલે કે શેર 76 ટકા વળતર આપી શકે છે. મોર્ગન સ્ટેનલીના મતે શેર રૂ.80 સુધી જાય તેવી શક્યતા છે. અગાઉ જેફરીઝ, ક્રેડિટ સુઈસ અને કોટક ઈન્સ્ટિટ્યૂશનલ સિક્યોરિટીઝે પણ ઝોમેટોના શેર ખરીદવાની સલાહ આપી છે. જેફરીઝનું માનવું છે કે ઝોમેટો સ્ટોક રોકાણકારોને 130 ટકા વળતર આપી શકે છે. ક્રેડિટ સુઈસના જણાવ્યા અનુસાર, શેરમાં રૂ. 90 સુધી જવાની સંભાવના છે.


વધુ સારા પરિણામો


સતત ખરાબ સમાચારોને કારણે ચર્ચામાં રહેલ Zomato માટે કેટલાક રાહતના સમાચાર આવ્યા છે. 2022-23ના એપ્રિલથી જૂનના પ્રથમ ત્રિમાસિક ગાળા દરમિયાન કંપનીની ખોટ અગાઉના નાણાકીય વર્ષના સમાન ક્વાર્ટરમાં રૂ. 360.70 કરોડની ખોટથી ઘટીને રૂ. 186 કરોડ થઈ ગઈ છે. આવકમાં 67 ટકાનો ઉછાળો આવ્યો છે. કંપનીના જણાવ્યા અનુસાર એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં ગ્રોસ ઓર્ડર વેલ્યુ 10 ટકા વધીને રૂ. 6430 કરોડ થઈ છે.


મંગળવારના ટ્રેડિંગ સેશનમાં Zomatoના શેરમાં જોરદાર રેલી જોવા મળી હોવા છતાં, શેર હજુ પણ રૂ. 76ની IPO કિંમત કરતાં 29 ટકા નીચે ટ્રેડ કરી રહ્યો છે. પરંતુ છેલ્લા 5 ટ્રેડિંગ સેશનમાં ઝોમેટોએ રૂ. 40.60ના નીચા સ્તરેથી શાનદાર રિકવરી દર્શાવી છે. શેર નીચલા સ્તરેથી 33 ટકા ઊછળ્યો છે.