China Covid-19 Cases: ચીનમાં ફરી એકવાર કોરોનાનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. ઘણા મોટા શહેરોમાં લોકડાઉન જેવી સ્થિતિ છે. કોન્સર્ટ જેવા મોટા કાર્યક્રમો પણ રદ કરવામાં આવ્યા છે.


ચીનમાં ફરી એકવાર કોરોના વાયરસના કેસ ઝડપથી વધવા લાગ્યા છે. બુધવારે ચીનમાં કોવિડ કેસની સંખ્યામાં રેકોર્ડ ઉછાળો નોંધાયો હતો. આરોગ્ય અધિકારીઓના જણાવ્યા અનુસાર, ચીનમાં ગઇ કાલે  31,656 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા. ચીનમાં કોવિડ-19ના કેસમાં એક દિવસમાં આ સૌથી મોટો ઉછાળો છે. આ આંકડા એપ્રિલના મધ્યમાં નોંધાયેલા 29,390 ચેપ કરતાં વધુ છે. એક દિવસ પહેલા ચીનમાં કોરોનાના 28000 થી વધુ નવા કેસ નોંધાયા હતા.


ચીનમાં કોરોનાના કેસોમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. રવિવારે છ મહિના પછી એક વૃદ્ધનું કોરોનાથી મોત થયું હતું. કોરોના સંક્રમિતોની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો થયો છે. તેને જોતા ચીનની સરકારે ઘણા શહેરોમાં લોકડાઉન કરી દીધું છે. આરોગ્ય વિભાગની ટીમ વધુમાં વધુ કોરોના ટેસ્ટિંગ અને ક્વોરેન્ટાઈન પર ભાર આપી રહી છે.


કોવિડ રિપોર્ટ આજથી જાહેર સ્થળોએ ફરજિયાત છે


ચીનમાં કોરોનાના વધતા જતા કેસોને જોતા કોવિડના કડક નિયમો લાગુ કરવામાં આવ્યા છે. આજથી રાજધાનીમાં જાહેર સ્થળોએ પ્રવેશના 48 કલાક પહેલા નેગેટિવ પીસીઆર કોવિડ ટેસ્ટ રિપોર્ટ દર્શાવવો ફરજિયાત કરવામાં આવ્યો છે. એટલે કે, લોકોએ હવે શોપિંગ મોલ, હોટલ, સરકારી ઓફિસોમાં જવા માટે કોવિડ રિપોર્ટ બતાવવો પડશે. આ સાથે લોકોને જરૂર પડ્યે જ ઘરની બહાર નીકળવાની સલાહ આપવામાં આવી છે.


બેઇજિંગમાં શાળાઓ બંધ


ચીનમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યામાં સતત થઈ રહેલા વધારાને જોતા સાવચેતીના પગલા તરીકે શાળાઓને બંધ કરી દેવામાં આવી છે. બેઇજિંગમાં કોરોનાની વ્યાપક અસર જોવા મળી રહી છે. કોવિડ-19ના ખતરાને જોતા ચીનની સરકારે બેઇજિંગના કેટલાક જિલ્લાઓમાં શાળાઓ બંધ કરી દીધી છે. સરકારે શાળાઓને ઓનલાઈન અભ્યાસ હાથ ધરવા સૂચના આપી છે. વાસ્તવમાં, બેઇજિંગમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના કેસોમાં તેજી જોવા મળી રહી છે.


ચીનમાં ફરી લોકડાઉન જેવી સ્થિતિ


ચીનમાં ફરી એકવાર કોરોના વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે. આને ધ્યાનમાં રાખીને ચીનની સરકારે કોરોના સંક્રમણને ફેલાતો રોકવા માટે અનેક પગલાં લેવાનું શરૂ કર્યું છે. બેઇજિંગ સહિત અન્ય ઘણા વિસ્તારોમાં કોરોના સંક્રમણના વધતા જોખમને જોતા સરકારે ત્યાંના શોપિંગ મોલ અને રેસ્ટોરન્ટને બંધ કરવાનો નિર્ણય લીધો છે. આ સિવાય કેટલાક પાર્ક અને જીમ પણ બંધ કરી દેવામાં આવ્યા છે.


ચીનના ચાઓયાંગ જિલ્લાના અધિકારીઓએ ત્યાંની કંપનીઓને તેમના કર્મચારીઓ માટે ઘરેથી કામ કરવાની સુવિધા આપવાનો આદેશ આપ્યો છે. અધિકારીઓએ લોકોને જો જરૂર ન હોય તો ઘરમાં જ રહેવા અને એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં મુસાફરી ન કરવાની સલાહ આપી છે. આ સિવાય અનેક શહેરોમાં ફરી એકવાર કોરોના ટેસ્ટિંગ પર ભાર મૂકવામાં આવી રહ્યો છે.