નવી દિલ્લીઃ ગુજરાત સહિત સમગ્ર દેશ હાલ કોરોના મહામારી સામે લડી રહ્યો છે. તેમજ સમગ્ર દેશમાં હાલ કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. ત્યારે લોકો માટે રાહતના સમાચાર આવ્યા છે. દેશની સૌથી મોટી આયુર્વેદિક કંપની પતંજલિ આયુર્વેદે કોરોનાની દવા બનાવી લીધાનો દાવો કર્યો છે. એટલું જ નહીં, હજારો લોકો આ દવાથી સ્વસ્થ થયા હોવાનો દાવો પણ પતંજલિએ કર્યો છે.


બાબા રામદેવની કંપની પતંજલિ આયુર્વેદના CEO આચાર્ય બાલકૃષ્ણએ કહ્યું છે કે, તેમની દવાના ટ્રાયલમાં કોરોનાના 80 ટકા દર્દીઓ સ્વસ્થ થયા છે. પંતજલી યોગપીઠે કોરોનાની દવા બનાવવાનો દાવો કરતા હવે બધાની નજર એ તરફ ગઈ છે. તેમણે આ દવાથી હજારો લોકો સ્વસ્થ થયા હોવાનો દાવો કર્યો છે.

તેમણે દાવો કર્યો છે કે, અનેક લોકો કોરોના પોઝિટિવ હતા, જેમને દવા આપ્યા પછી તેઓ કોરોના નેગેટિવ થયા છે. તેમણે દવા બનાવવામાં 100 ટકા સફળતા મેળવી હોવાનો દાવો કર્યો છે. તેમણે દવા અંગે વર્લ્ડ ક્લિનીકલ સ્ટાન્ડર્ડના પરિણામ આવવાના બાકી છે. તેના પરિણામ પણ હકારાત્મક હોવાનો દાવો પણ તેમણે કર્યો છે.