Rajouri Encounter: સેનાના ઉત્તરી કમાન્ડના પ્રવક્તાએ કહ્યું કે, શનિવારે સવારે  આતંકવાદીઓ સામે અથડામણ સાથે આ વિસ્તારમાં સતત ફાયરિંગ થઇ રહ્યું છે.


 રાજનાથ સિંહ શનિવારે (6 મે) સવારે 11 વાગ્યે જમ્મુ-કાશ્મીરના રાજૌરી પહોંચશે. રક્ષા મંત્રી વરિષ્ઠ સેના કમાન્ડરો અને સંરક્ષણ અધિકારીઓ પાસેથી રાજૌરી વિસ્તારમાં આતંકવાદીઓ વિરુદ્ધ ચાલી રહેલા ઓપરેશનની સંપૂર્ણ માહિતી લેશે. આ સાથે તેઓ શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ પણ આપશે. એક દિવસ પહેલા જ આ સ્થળે આતંકવાદીઓએ કરેલા ઓચિંતા હુમલામાં 5 જવાન શહીદ થયા હતા. શનિવારે એટલે કે આજે પણ એન્કાઉન્ટર ચાલુ છે.


સેનાના ઉત્તરી કમાન્ડના પ્રવક્તાએ કહ્યું કે, શનિવારે સવારે જ્યારે આતંકવાદીઓનો મુકાબલો થયો ત્યારે ફરી એકવાર ગોળીબાર શરૂ થયો. ચાલો જાણીએ આ એન્કાઉન્ટરમાં અત્યાર સુધી શું થયું છે.


જમ્મુ-કાશ્મીરના રાજૌરીના કાંડી જંગલમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે હજુ પણ અથડામણ ચાલુ છે. શુક્રવારે (4 મે)ના રોજ થયેલા આતંકવાદી હુમલામાં સુરક્ષાદળોના 5 જવાન શહીદ થયા હતા.


બીજી તરફ બારામુલ્લાના કરહામા કુંજર વિસ્તારમાં સુરક્ષાદળોએ એક આતંકીને ઠાર કર્યો છે. અન્ય આતંકવાદીઓને શોધવા માટે સર્ચ ઓપરેશન ચાલુ છે.


વાસ્તવમાં, રાજૌરી વિસ્તારમાં 3 મેથી સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે, ત્યારબાદ ગઈકાલે (4 મે) આતંકવાદીઓએ ઓચિંતો હુમલો કરીને વિસ્ફોટ કર્યો હતો જેમાં 5 જવાનો શહીદ થયા હતા. હાલ આ વિસ્તારમાં ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે. આ હુમલો એવા સમયે થયો છે, જ્યારે SCO બેઠક માટે પાકિસ્તાન, ચીન સહિત ઘણા દેશોના વિદેશ મંત્રીઓ ભારતમાં હાજર હતા. એટલા માટે તેને પાકિસ્તાનના મોટા ષડયંત્ર તરીકે પણ જોવામાં આવી રહ્યું છે.


જો સુરક્ષા દળો સાથે જોડાયેલા સૂત્રોનું માનીએ તો આ આતંકવાદીઓ પૂંચમાં આર્મી ટ્રક પર થયેલા હુમલામાં સામેલ હતા. સુરક્ષા દળોએ તેમને સંપૂર્ણ રીતે ઘેરી લીધા છે. જો કે શુક્રવારે આ આતંકીઓના વિસ્ફોટમાં સેનાના 5 જવાન પણ શહીદ થયા હતા.


શુક્રવારના હુમલા બાદ શું થયું છે


શનિવારે સવારે પણ આતંકીઓ વિરુદ્ધ ઓપરેશન ચાલુ હતું. સેનાના ઉત્તરી કમાન્ડના કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી ગ્રાઉન્ડ ઝીરો પર હાજર છે. ગ્રાઉન્ડ કમાન્ડરોએ તેમને ઓપરેશન વિશે જાણકારી આપી છે


સેનાએ પૂંચમાં આર્મી ટ્રક પર હુમલા માટે જવાબદાર આતંકવાદીઓને ખતમ કરવા માટે ઓપરેશન શરૂ કર્યું હતું. પુંછમાં આતંકી હુમલામાં પાંચ જવાન શહીદ થયા હતા. સેનાને ઈનપુટ મળ્યા હતા કે પૂંચ હુમલા માટે જવાબદાર આતંકવાદીઓ કાંડીના જંગલોમાં છુપાયેલા છે. આ પછી, સેનાએ શુક્રવારે (6 મે) સવારે વિશેષ ઓપરેશન શરૂ કર્યું.


સુરક્ષા દળોને એક ગુફામાં આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી. આતંકવાદીઓ સ્થળ પરથી ભાગી ન જાય તે માટે વધારાના CRPF અને આર્મીના જવાનોએ આ વિસ્તારને ઘેરી લીધો હતો.