Draupadi Murmu: દ્રૌપદી મુર્મુનો જન્મ 20 જૂન 1958ના રોજ ઓડિશાના મયુરભંજ જિલ્લાના ઉપરબેડા ગામમાં થયો હતો. આ પ્રથમ વખત છે કે જ્યારે સ્વતંત્ર દેશમાં જન્મેલી વ્યક્તિ રાષ્ટ્રપતિ પદ પર પહોંચી હોય.


દેશમાં આજે એક નવો ઈતિહાસ લખાઈ રહ્યો છે. આદિવાસી સમુદાયમાંથી આવતા કોઈ વ્યક્તિને દેશના સર્વોચ્ચ પદ સુધી પહોંચવામાં 75 વર્ષ લાગ્યા હતા. દ્રૌપદી મુર્મુ આદિવાસી સમુદાયની સંથાલ જાતિના  છે. દ્રૌપદી મુર્મુ એક હોશિયાર વિદ્યાર્થી રહી છે અને તે પછીથી આદિવાસી વસાહતમાંથી પ્રથમ સ્નાતક બની હતી. મુર્મુએ પોતાના કરિયરની શરૂઆત એક શિક્ષક તરીકે કરી અને ત્યાર બાદ ધીરે ધીરે રાજકારણમાં રસ લીધો અને તે તરફ આગળ વધ્યા. કાઉન્સિલર, ધારાસભ્ય અને ઝારખંડના રાજ્યપાલથી લઈને હવે રાષ્ટ્રપતિ પદ સુધીની સફર તેમણે ખેડી.


દ્રૌપદી મુર્મુને NDAના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા હતા. વિપક્ષે તેમની સામે ટીએમસી નેતા યશવંત સિંહાને નોમિનેટ કર્યા હતા, પરંતુ માત્ર NDA જ નહીં પરંતુ ઘણા વિપક્ષી દળોએ પણ મુર્મુના સમર્થનમાં મતદાન કર્યું હતું.


આઝાદ દેશમાં જન્મ લેનાર પહેલા રાષ્ટ્રપતિ


આ પહેલીવાર છે જ્યારે સ્વતંત્ર દેશમાં જન્મેલી વ્યક્તિ રાષ્ટ્રપતિ બની હોય. 64 વર્ષની ઉંમરે તે આઝાદી પછી જન્મ લેનાર ભારતના સૌથી યુવા રાષ્ટ્રપતિ હશે. દેશ આ વર્ષે આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે અને આ દેશને સ્વતંત્ર ભારતમાં જન્મેલા મહિલા રાષ્ટ્રપતિ મળ્યા. પીએમ મોદી સ્વતંત્ર ભારતમાં જન્મેલા પ્રથમ વડાપ્રધાન  છે.


શિક્ષક અને પછી રાજકારણ


દ્રૌપદી મુર્મુનો જન્મ 20 જૂન 1958ના રોજ ઓડિશાના મયુરભંજ જિલ્લાના ઉપરબેડા ગામમાં થયો હતો. તેમનો જન્મ મયુરભંજના આદિવાસી પરિવારમાં થયો હતો. દ્રૌપદી મુર્મુના પિતાનું નામ બિરાંચી નારાયણ ટુડુ હતું, જેઓ તેમના સમયમાં ગામના સરપંચ  હતા. દ્રૌપદી મુર્મુએ તેમના ગૃહ જિલ્લામાંથી શિક્ષણ મેળવ્યા પછી ભુવનેશ્વરની રમાદેવી મહિલા કોલેજમાંથી સ્નાતકનું શિક્ષણ મેળવ્યું હતું. તે પછી તેણીએ શિક્ષક તરીકે કારકિર્દી શરૂ કરી. રાજકારણમાં આવ્યા પછી, તે રાજ્ય સરકારમાં કાઉન્સિલર, ધારાસભ્ય અને મંત્રી પણ રહી હતી. મુર્મુ રાજ્યમાં બીજેડી-ભાજપ ગઠબંધન સરકારમાં મંત્રી હતા.


ઝારખંડના રાજ્યપાલથી લઈને રાષ્ટ્રપતિ સુધી


દ્રૌપદી મુર્મુને જ્યારે ઝારખંડની રાજ્યપાલ બનાવવામાં આવ્યાં હતા  ત્યારે તે દેશની નજરમાં આવ્યાં. તે ઝારખંડની પ્રથમ મહિલા રાજ્યપાલ હતા. તેમણે  2015 થી 2021 સુધી લગભગ 6 વર્ષ સુધી આ પદ સંભાળ્યું, જે દરમિયાન રાજ્યમાં પહેલા ભાજપ અને પછી જેએમએમનું શાસન હતું, પરંતુ રાજ્યપાલ તરીકે મુર્મુનો કાર્યકાળ નિર્વિવાદ રહ્યો.


દેશના બીજા મહિલા રાષ્ટ્રપતિ


દ્રૌપદી મુર્મુ પહેલા, વર્ષ 2007 માં, પ્રતિભા દેવી સિંહ પાટિલ દેશના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ બન્યા હતા. દ્રૌપદી મુર્મુ, જે ઓડિશાના છે, તે રાજ્યના બીજા રાષ્ટ્રપતિ છે. અગાઉ 1969માં વીવી ગિરી દેશના ચોથા રાષ્ટ્રપતિ બન્યા હતા જેઓ ઓડિશાના હતા. મુર્મુએ સંયુક્ત વિપક્ષના ઉમેદવાર યશવંત સિંહા સામે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં 64 ટકા મત મેળવીને જીત મેળવી હતી. BJD દ્રૌપદી મુર્મુની ઉમેદવારીને સમર્થન જાહેર કરનાર પ્રથમ બિન-NDA પક્ષ હતો.