સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ યથાવત, સરકાર સાથેની બેઠક રહી નિષ્ફળ
બેઠકની શરૂઆતમાં જ સચિવ અને ફેર પ્રાઈઝ એસોસિએશનના પ્રમુખ પ્રહલાદ મોદી વચ્ચે ઉગ્ર દલીલ થઈ હતી.

રાજ્ય સરકાર સાથેની બેઠકમાં થયેલા વિવાદ અને મંત્રણા નિષ્ફળ રહ્યાના આરોપ સાથે સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ આજે ત્રીજા દિવસે પણ યથાવત રહેશે. અમદાવાદમાં મળેલી બેઠકમાં પુરવઠા વિભાગના સચિવ મોના ખંધાર અને ફેર પ્રાઈઝ એસોસિએશનના પ્રમુખ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. સરકારના સચિવ બેઠક છોડીને ચાલ્યા જતા પ્રહલાદ મોદી છંછેડાયા હતા.
રાશનિંગના દુકાનદારોના રાજીનામા આપવાની ચીમકી અપાઈ હતી. ગઈકાલે અમદાવાદ કલેક્ટર ઓફિસ પર મળેલી અનાજ વિતરકોની બેઠક નિષ્ફળ રહી હતી. બેઠકની શરૂઆતમાં જ સચિવ અને ફેર પ્રાઈઝ એસોસિએશનના પ્રમુખ પ્રહલાદ મોદી વચ્ચે ઉગ્ર દલીલ થઈ હતી. ઉગ્ર દલીલ બાદ સચિવ અને પ્રહલાદ મોદી બેઠક છોડીને રવાના થયા હતા.
સરકાર પર તાનાશાહી ચલાવવાનો આરોપ લગાવી પ્રહલાદ મોદીએ આંદોલન ચાલુ રાખવાની જાહેરાત કરી હતી. સાથે જ સ્પષ્ટ કર્યું કે કોઈપણ દુકાન ખોલવામાં નહીં આવે અમે તમામ લોકો રાજીનામા આપવા માટેની તૈયારી કરી રહ્યા છીએ. પ્રહલાદ મોદીએ એવો પણ આરોપ લગાવ્યો કે બેઠક કોઈ ચર્ચા માટે નહીં, પરંતુ બીજી બધી બાબતોની ધમકીઓ માટે બોલાવવામાં આવી હતી. ધમકીઓ આપવામાં આવતા અમે બેઠક છોડીને રવાના થઈ ગયા હતા.
રાજકોટમાં 700 વેપારીની હડતાળથી 3 લાખ કાર્ડધારકોને રાશન મળશે નહીં. સુરત શહેરમાં અંદાજે 1100 જેટલી સરકારી અનાજની દુકાનો સંપૂર્ણપણે બંધ રહી હતી. તે સિવાય મહેસાણા જિલ્લાના 670થી વધુ ડીલરો હડતાળમાં જોડાયા છે. અમદાવાદ અને વડોદરામાં પણ ઠેર ઠેર રાશનની દુકાનો બંધ જોવા મળી છે. ગુજરાતની સસ્તા અનાજની દુકાનના સંચાલકોને મળતા કમિશનમાં વધારા સહિતની અલગ-અલગ 20 માગણીઓને લઈ ગતરોજથી 17 હજાર જેટલા સંચાલકોએ આજથી અચોક્કસ મુદતની હડતાળ શરૂ કરી હતી. હડતાળના પગલે અનાજ વિતરણની કામગીરી ઠપ્પ થઈ છે.
રાજ્યની સસ્તા અનાજની 17 હજાર દુકાનો આજે પણ બંધ રહેશે. સરકાર સાથે દુકાનદારોની બીજી બેઠક પણ નિષ્ફળ રહી હતી. હડતાળ મક્કમતાથી આગળ વધારવા પ્રહલાદ મોદીએ અપીલ કરી હતી. રાજ્ય સરકાર સામે દુકાનદારો લડી લેવાના મૂડમાં છે. 21 માંગને લઈને ત્રીજા દિવસે હડતાળ યથાવત છે. હજારો લાભાર્થી પરિવાર અનાજથી વંચિત રહ્યા છે.





















