ગુજરાત વિધાનસભામાં સરકારે પ્રાથમિક શિક્ષણને લઇને ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. સરકારના જવાબમાં રાજ્યમાં પ્રાથમિક શિક્ષણની દયનિય સ્થિતિનો પર્દાફાશ થયો હતો. કોંગ્રેસ ધારાસભ્ય શૈલેષ પરમારના પૂછાયેલા સવાલના જવાબમાં સરકારે કબૂલાત કરી હતી કે રાજ્યમાં 341 પ્રાથમિક શાળાઓ 1 ઓરડાથી ચાલી રહી છે. આગામી સમયમાં વધુ ઓરડા બનાવવાની સરકારે ખાતરી આપી હતી.
1606 પ્રાથમિક શાળાઓમાં ફક્ત એક શિક્ષક
1606 પ્રાથમિક શાળાઓ માત્ર એક શિક્ષકથી ચાલતી હોવાનો પણ ખુલાસો થયો હતો. 2023ની સ્થિતિએ સરકારે ગૃહમાં આંકડા આપ્યા હતા. છોટા ઉદેપુર જિલ્લામાં 283 શાળાઓ એક શિક્ષકથી ચાલે છે. દાહોદ જિલ્લામાં 20, ડાંગ જિલ્લામાં 10 શાળામાં એક શિક્ષક છે. ગાંધીનગરમાં 8, બોટાદમાં 29, ભરૂચમાં 102, તો અમદાવાદની 17 શાળાઓમાં એક શિક્ષક છે. 30 વિદ્યાર્થીઓની સામે એક શિક્ષકના નિયમ મુજબ શાળામાં એક શિક્ષક છે. 5.3 ટકા શાળાઓમાં એક જ શિક્ષક હોવાનો સરકારે સ્વીકાર કર્યો હતો. ધારાસભ્ય તુષાર ચૌધરીના સવાલનો કુબેર ડિંડોરે જવાબ આપ્યો હતો.
બે વર્ષમાં અમદાવાદ શહેર-જિલ્લામાં 159 ખાનગી શાળાને મંજૂરી માંગવામાં આવી છે. 159 પૈકી 45 ખાનગી શાળાઓને માન્યતા આપવામાં આવી છે. 114 ખાનગી શાળાઓને મંજૂરી અપાઇ નથી. કૉંગ્રેસ MLA ઈમરાન ખેડાવાલાના પ્રશ્નનો સરકારે જવાબ આપ્યો હતો.
રાજ્યના 133 માછીમારો પાકિસ્તાનના કબજામાં
રાજ્યના 133 માછીમારો અને 1170 બોટ પાકિસ્તાનના કબજામાં હોવાની સરકારે વિધાનસભામાં કબૂલાત કરી હતી. ડિસેમ્બર 2023ની સ્થિતિએ વિધાનસભામાં આંકડા રજૂ કરાયા હતા. વર્ષ 2022-23માં 89 માછીમારોનું પાકિસ્તાને અપહરણ કર્યું હતું. વર્ષ 2022-23માં 22 બોટ પાકિસ્તાને જપ્ત કરી છે. વર્ષ 2022-23માં પાકિસ્તાને 467 માછીમારોને મુક્ત કર્યા છે. વર્ષ 2022-23માં પાકિસ્તાને જપ્ત કરેલ એકપણ બોટ મુક્ત કરી નથી.
આ અંતર્ગત આજે ગૃહમાં કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ સરકારને રાજ્યમાં શિક્ષણ વિભાગ અને ખાલી જગ્યાએ અંગે સવાલો કર્યા હતા, જેમાં સરકારે જવાબો આપ્યા હતા. જીગ્નેશ મેવાણીએ ગૃહમાં શિક્ષણ વિભાગમાં વર્ગ 1 અને વર્ગ 2માં ખાલી જગ્યાઓ અંગે સવાલો કર્યા હતા.
આજે વિધાનસભા ગૃહમાં અનેક મુદ્દાઓ ગુંજ્યા હતા, નકલી કાંડથી લઇને રાજ્યમાં સરકારી ભરતી અંગેના સવાલો સરકાર સામે મુકાયા હતા. કોંગ્રેસી ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ આજે ગૃહમાં શિક્ષણ વિભાગમાં વર્ગ 1 અને વર્ગ 2ની ખાલી જગ્યાઓ અંગે સવાલો કર્યા હતા, જેના જવાબમાં સરકારે માહિતી આપી હતી કે, રાજ્યમાં શિક્ષણ વિભાગમાં વર્ગ 1 અને 2ની 473 જગ્યાઓ ખાલી છે, સરકારે જણાવ્યુ કે, 1122ના મહેકમ સામે 473 જગ્યાઓ ખાલી છે, વર્ગ-1ની 140ના મંજૂર મહેકમ સામે 33 જગ્યાઓ ખાલી છે અને વર્ગ-2ની 982 મંજૂર મહેકમ સામે 440 જગ્યાઓ ખાલી હોવાની સરકારે વિગતો આપી હતી. કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીના સવાલ પર સરકારે જવાબો આપ્યા હતા.