ગાંધીનગરના કલોલનાં પુર્વ નાયબ મામલતદાર વિરમ દેસાઈ સામે આવક કરતાં વધું બેનામી સંપત્તિનો મામલે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે હેઠળ ગાંધીનગર સેક્ટર 7 સ્થિત વિરમ દેસાઈનાં બંગલાને સીલ કરવામાં આવ્યો છે. એસીબીએ વિરમ દેસાઈના બંગલા પર નોટિસ લગાવીને બંગલો સીલ કર્યો છે. બે પોલીસકર્મીને બંગલા પર તૈનાત કરી દેવાયા છે. મહત્વનું છે કે ગઈકાલે ગુજરાત એસીબીએ સૌથી મોટો અપ્રમાણસર મિલ્કતનો એક કેસ નોંધ્યો હતો. ગાંધીનગરના કલોલના નિવૃત નાયબ મામલતદાર વિરમ દેસાઈ સામે એસીબીએ 30 કરોડની અપ્રમાણસર મિલ્કતનો કેસ દાખલ કર્યો છે.


એસીબીની તપાસમાં નિવૃત નાયબ મામલતદાર વિરમ દેસાઈના 30 જેટલા બેંક એકાઉન્ટ મળી આવ્યા છે. જેમાં 4 કરોડના ટ્રાન્જેકશન પણ મળી આવ્યા છે. વિરમ દેસાઈએ 3 ફ્લેટ, 2 બંગલા, 11 દુકાનો, 1 ઓફિસ, 2 પ્લોટ, 11 લકઝરી કાર અને રિયલ એસ્ટેટમાં રોકાણ કર્યું હોવાનો ખુલાસો થયો છે. વિરમ દેસાઈ પાસે જે 11 લકઝરી કાર છે તેની જ કિંમત 3 કરોડ રૂપિયા થવા જાય છે.

નિવૃત્ત નાયબ મામલતદારે તેમના પત્ની પુત્ર સહિતના લોકોના નામે મિલકત વસાવેલી છે. ગુમનામ ચિઠ્ઠીથી ખૂલ્યું કલોલના નિવૃત્ત નાયબ મામલતદારનું 30 કરોડની બેનામી સંપત્તિનું કૌભાંડ, વિરમ દેસાઈ ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળનો પ્રમુખ હોઈ તેની વિરુદ્ધ તપાસની વાત લીક થાય તો આખી વાત પર પડદો પડી શકે તેવી સંભાવના હોવાથી એસીબીએ ખાસ ટીમ બનાવી ખાનગી રાહે મહેસૂલ વિભાગમાં વિરમ દેસાઈની માહિતી મેળવી. એસીબીને આધારભૂત પુરાવા મળતા તેની સામે અપ્રમાણસર મિલકતનો ગુનો દાખલ કરાયો. આ સાથે જ અન્ય 6 વ્યક્તિને પણ આ કેસમાં આરોપી બનાવાયા છે. મહત્વનું છે કે વિરમ દેસાઈ સામે પાટણના કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે પણ ગંભીર આક્ષેપ કર્યા હતા.