ગુરૂવારે રાજ્યમાં અશાંત ધારો દૂર કરવાની માગણી સાથે કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ વિધાનસભામાં ખાનગી બિલ રજૂ કર્યું હતું. ખેડાવાલાએ રજૂઆત કરી હતી કે, ભાજપ સરકાર કાશ્મીરમાં કલમ 370 દૂર કરીને બહારનાં લોકોને પણ મિલકત ખરીદવાની મંજૂરી આપી છે ત્યારે ગુજરાતમાં અશાંત વિસ્તારોમાં સ્થાવર મિલકતોની તબદીલી પર પ્રતિબંધ હટાવી દેવો જોઈએ.
મહેસૂલ મંત્રી કૌશિક પટેલે જવાબ આપતાં કહ્યું હતું કે. રાજ્યમાં 1988માં કોંગ્રેસના મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરીએ કાયદો અમલી બનાવ્યો હતો પણ તે વખતે તેનો યોગ્ય અમલ થયો ન હતો. હવે અમારી સરકારે આ કાયદાનો સખ્તાઇથી અમલ કર્યો છે. સુલેહ-શાંતિ અને ભાઇચારો જળવાઇ રહે તે હેતુથી અશાંત ધારાનો વ્યાપ વધારાયો છે ખેડાવાલાએ રજૂ કરેલું પ્રાઇવેટ બિલ પરત નહીં ખેંચતાં ભાજપે બહુમતીના આધારે આ બિલ નકારી કાઢ્યું હતું.