ગાંધીનગરઃ કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલે પાટીદારને OBCમાં સામેલ કરવા મુદ્દે નિવેદન આપતાં ફરી એકવાર અનામતનો મુદ્દો ચગ્યો છે. તેમણે જણાવ્યું હતું કે, પાટીદારો, મરાઠા અને જાટ સમુદાયના લોકોનો ઓબીસીમાં સમાવેશ ન કરવો જોઇએ. પાટીદારોને ઓબીસીમાં સમાવવાના બદલે સરકાર અલગ વ્યવસ્થા કરે. હવે આ નિવેદન મુદ્દે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પણ પ્રતિક્રિયા આપી છે.
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે કેન્દ્ર સરકાના બિલ પ્રમાણે રાજ્ય સરકારને અધિકાર મળ્યો છે કે કઈ જ્ઞાતિને obcમાં સમાવવા. કેન્દ્રના કોઈ નેતા કે કોઈ પક્ષના નેતા કોઈ નિવેદન કરે તે જરૂરી નથી. ઓબીસીમાં કઈ જ્ઞાતિને કઈ શરતોના આધારે સામેલ કરવી તે રાજ્ય સરકાર નો અધિકાર છે.
તેમણે ઉમેર્યું કે, કોઈ નેતા આ અંગે નિવેદન કરે તે માન્ય નથી. તેમણે પાટીદારોના નામનો ઉલ્લેખ કર્યા વગર કહ્યું હતું કે, જે જ્ઞાતિને લાભ લેવો હોય તે માંગણી કરે. સર્વે થાય અને માન્ય મળે તો ઓબીસીમાં સામેલ કરી શકાય. ભારત સરકારના કાયદાના આધારે બધા નિયમો નક્કી કરવામાં આવશે. જેને લાભ લેવો હોય એમણે માગણી કરવાની હોય. માગણીના આધારે સર્વે કરી યોગ્ય લાગે તો લાભ અપાય છે.
કેન્દ્રિય મંત્રી અને રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયાના પ્રમુખ રામદાસ અઠાવલે હાલ ગુજરાતની મુલાકાતે છે ત્યારે તેમણે 2024માં યોજાનારી લોકસભાની ચૂંટણીને લઈ મહત્વનું નિવેદન આપ્યું છે. રામદાસ અઠાવલે કહ્યું કે 2024માં ભાજપ 350 થી 400 બેઠકો જીતશે અને મોદી સરકારના નેતૃત્વમાં ભાજપની સરકાર બનશે.
રામદાસ અઠાવલે ગુજરાતમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી અને અન્ય ચાર રાજ્યોમાં યોજાનાર ચૂંટણીઓમાં ભાજપને જ સમર્થન કરશે તેવું કહ્યું હતું. આ સાથે તેમણે મોદી સરકારના 7 વર્ષના શાસનના વખાણ કર્યા હતા અને મોદી સરકારની વેક્સિનેશનની કામગીરીને પણ વખાણી હતી.
કેન્દ્રિયમંત્રી રામદાસ અઠાવલે પાટીદાર સમાજને OBCમાં સમાવાને લઇને પણ મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે પાટીદારોની ઓબીસીમાં સામેલ ન કરી શકાય. તેમને અલગ ક્વોટા બનાવીને અનામત આપી શકાય તેવું કહ્યું છે. જેને લઈને રાજકારણમાં પણ ગરમાવો આવી ગયો છે. જ્યારે રામદાસ અઠાવલે દલિતો મુદ્દે પણ નિવેદન આપતા કહ્યું હતું કે કેટલાક લોકોને દલિત સારા કપડાં પહેરે કે ઘોડા પર બેસે તો સારું લાગતું નથી.