ગાંધીનગરઃ રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાની રસીને લઈને લોકોમાં ફેલાયેલી અંધશ્રદ્ધાને લઈને નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી નીતિન પટેલે મોટું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર તરફથી વધારાનો વેક્સિનનો જથ્થો મળ્યો છે, જેથી 18 થી 45 વર્ષનાં યુવાનોને પૂરા રાજ્યમાં વેક્સિન મળશે. આજથી દરરોજ 3 લાખ લોકોને વેક્સિન અપાશે. 45 પ્લસ ઉંમરનાં લોકોને પણ વેકસીન આપવામાં આવી રહી છે. કમનસીબે કેટલીક જ્ઞાતિઓ, કેટલાક વર્ગ અને કેટલાંક લોકો વેક્સિન નથી લઇ રહ્યા. 


તેમણે જણાવ્યું હતું કે, કેટલાંક ગામડાઓમાં પણ લોકો વેક્સિન માટે તૈયાર નથી. અમે સાધુ સંતો, અમારાં હોદેદારો લોકોને સમજાવે તે પ્રકારનાં પ્રયાસો કરી રહ્યા છીએ. ઓછા સમજુ, વ્હેમવાળા કે અંધશ્રધ્ધાવાળા લોકો વેક્સિન લેતા નથી. જાહેરમાં વેક્સિનનો અપપ્રચાર કરતા હોય તેવા લોકો અમારી સામે આવશે તો અમે તેમને પકડીને એપીડેમિક એક્ટ હેઠળ કડક કાર્યવાહી કરીશું. 


ઓક્સિજન ચકાસણીના કારણે મ્યુકરમાઈકોસિસના કેસ પર નિવેદન આપતાં જણાવ્યું હતું કે, આવુ કોઈ વૈજ્ઞાનિક રીતે કે તારણ ધ્યાનમાં આવ્યુ નથી. અનેક દર્દીઓ સ્વસ્થ થઈને ઘરે ગયા છે. બીજી તરફ રાજકોટ કલેકટર તંત્ર દ્વારા મનોવૈજ્ઞાનિક ભવનને જવાબદારી સોંપવામાં આવી છે. કાલથી ગામડાઓમાં જશે અને સર્વે  કરી જાગૃત લાવવાના પ્રયાસો હાથ ધરશે. મનોવૈજ્ઞાનિક ભવનમાં 50 લોકોની ટીમ કામે લાગશે.



રાજકોટમાં અંધશ્રદ્ધાને લઈ સૌરાષ્ટ્ર યુનિવર્સીટીનો ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે. મનોવૈજ્ઞાનિક ભવનના પ્રાથમિક સર્વેમાં ચોંકવાનારા આંકડા સામે આવ્યા છે. કોરોના કાળમાં અંધશ્રદ્ધામાં વધારો થયો. પ્રાથમિક સર્વેમાં જ ચોંકવાનારો ટકાવારી આવી સામે. કોરોનાના કહેરમાં 36 ટકા લોકોમાં અંધશ્રદ્ધામાં થયો વધારો.


રાજ્યમાં કોરોના વાયરસ (Coronavirus)ની રફતાર ધીમે પડી રહી છે. નવા કેસોની સંખ્યામાં ઘટાડો આવી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1,207 નવા કેસ નોંધાયા છે અને 17  દર્દીના કોરોનાથી મૃત્યુ થયા છે. તેની સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 9890 પર પહોચ્યો છે. રાજ્યમાં સાજા થતા દર્દીઓની સંખ્યા પણ સતત વધી રહી છે. રાજ્યમાં આજે 3,018 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.  રાજ્યમાં હાલ સાજા થવાનો દર 95.78 ટકા છે.


રાજ્યમાં અત્યાર સુધી 7,78,976 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યામાં પણ ઘટાડો આવ્યો છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 24404 પર પહોંચ્યો છે. જેમાંથી 429 દર્દી વેન્ટિલેટર પર અને 23975 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 95.78  ટકા છે.  


 


ક્યાં કેટલા કેસ નોંધાયા ?


અમદાવાદ શહેરમાં આજે કોરોનાના 191 કેસ તો અમદાવાદ ગ્રામ્યમાં 5 કેસ નોંધાયા છે. જ્યારે સુરત શહેરમાં 80 નવા કેસ, જ્યારે સુરત ગ્રામ્યમાં 57 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં રાજ્યના સૌથી વધુ 132 કેસ, જ્યારે ગ્રામ્યમાં 104 કેસ નોંધાયા. રાજકોટ શહેરમાં 57 કેસ અને ગ્રામ્યમાં 31 કેસ નોંધાયા છે.


ક્યાં કેટલા મોત ?


અમદાવાદ કોર્પોરેશન 4, વડોદરા કોર્પોરેશન 1, વડોદરા 1, સુરત કોર્પોરેશન 1, સુરત 2, ગીર સોમનાથ 1, જામનગર કોર્પોરેશન 1,  રાજકોટ 1, ભાવનગર 1, સાબરકાંઠા 1, જામનગર 1, મહીસાગર 1 અને છોટા ઉદેપુરમાં 1 મોત સાથે કુલ 17 લોકોના મોત થયા હતા.


રાજ્યમાં રસીકરણ


જો રસીકરણની વાત કરીએ તો હેલ્થકેર વર્કર્સ અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી 4261 ને પ્રથમ ડોઝ અને 4287 લોકોને બીજો ડોઝ અપાયો હતો. 45 વર્ષથી વધારે ઉંમરના 43082 લોકોને પ્રથમ અને 25441 લોકોને બીજો ડોઝ અપાયો હતો. 18-45 વર્ષનાં 98288 લોકોને પ્રથમ ડોઝ અપાયો હતો. આ પ્રકારે ગુજરાતમાં એક દિવસમાં 1,75,359 લોકોને રસી અપાઇ હતી. 


રાજ્યમાં સાજા થવાના દરમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં હાલ સાજા થવાનો દર 95.78 ટકા છે. આજે 3,018 દર્દીઓ સાજા થયા છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 7,78,976 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.