ગાંધીનગરઃ આજે સવારે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું હાર્ટ અટેક આવતાં નિધન થયું છે. તેમનું 92 વર્ષની વયે સ્ટર્લિંગ હોસ્પિટલમાં સારવાર દરમિયાન નિધન થયું છે. આજે સવારે પોણા અગિયાર આસપાસ તેમને હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં તેમણે 11.55 વાગ્યે અંતિમ શ્વાસ લીધા હતા. તેમનું નિધન થતા ભાજપના નેતાઓ અને કાર્યકરોમાં દુઃખની લાગણી ફરી વળી છે.


પૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઇ પટેલની અંતિમવિધિ ગાંધીનગર ખાતે કરાશે. કેશુભાઇ પટેલની અંતિમવિધિ સાંજે પાંચ વાગ્યે સેક્ટર 30માં આવેલ સ્મશાનગૃહ ખાતે કરાશે. તેમના માનમાં એક દિવસનો રાજકીય શોક પણ જાહેર કરાયો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી, ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ, મંત્રી કુંવરજી બાવળિયા અને જીતુ વાઘાણી કેશુબાપાના નિવાસસ્થાને પહોંચ્યા હતા અને કેશુબાપાને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.



કેશુભાઈ પટેલના રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવાનું નક્કી કરાયું છે. એટલું જ નહીં, કેશુબાપાનું નિધન થતા ભાજપે તેના તમામ કાર્યક્રમો રદ કરી દીધા છે. આજે બપોરે 3 વાગ્યે રાજ્ય મંત્રી મંડળની કેબિનેટની બેઠક મળશે, જેમાં તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે.