ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોનાના કેસોની સંખ્યા વધતાં નરેન્દ્ર મોદી સરકારે નિષ્ણાતોની ટીમને ગુજરાત મોકલી છે. મોદી સરકારે મોકલેલી કેન્દ્રીય આરોગ્ય ટીમે બે દિવસ ગુજરાતમા રહેશે અને કોરોના મુદ્દે સમગ્ર માહિતી મેળવશે. કોરોનાના એપીસેન્ટર એવા સુરત અને અમદાવાદમાં કોરોનાગાર્સત વિસ્તારોની મુલાકાત લઈને ત્યાંની સ્થિતીની ટીમ દ્વારા સમીક્ષા પણ કરાશે અને શું પગલાં લેવાં તે અંગે ભલામણ પણ કરાશે.

સુરતમાં ફિલ્ડ વિઝિટ બાદ અમદાવાદમાં સમીક્ષા કરાશે. અમદાવાદના કન્ટેઈન્મેન્ટ ઝોનની દિલ્હીથી આવેલી ટીમ મુલાકાત લેશે. છેલ્લે કેન્દ્રીય ટીમ AMCના અધિકારીઓ સાથે બેઠક કરશે. શુક્રવારે સાંજે કેન્દ્રીય ટીમની મુખ્યમંત્રી રૂપાણી સાથે બેઠક પણ છે.

ગુજરાતમાં બે મહિનામાં ત્રીજી વાર કેન્દ્રની ટીમ આવી છે. રાજ્યના મુખ્યમંત્રીએ આ અગાઉ કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહને કરેલા અનુરોધને પગલે તાજેતરમાં મે મહિનામાં એઇમ્સ નવી દિલ્હીના ડાયરેકટર ડૉ. રણદીપ ગુલેરિયા અને ડૉ. મનિષ સુનેજા અમદાવાદમાં કોરોના-કોવિડ-19ની સ્થિતિમાં માર્ગદર્શન અને સમીક્ષા માટે આવ્યા હતા. ત્યારબાદ ભારત સરકારના આરોગ્ય મંત્રાલયના સંયુકત સચિવ લવકુમાર અગ્રવાલે પણ ગુજરાતની મૂલાકાત લીધી હતી. હવે ફરી એકવાર મુખ્યમંત્રીના કેન્દ્ર સરકારને અનુરોધના પરિણામે ગુરૂવાર તા. 16 જુલાઇથી શનિવાર તા.18 જુલાઇ સવાર સુધી અમદાવાદ અને સુરતની મૂલાકાતે 4 વરિષ્ઠ સભ્યોની કેન્દ્રીય ટીમ આવી છે.

નીતિ આયોગના સભ્ય ડૉ. વિનોદ પોલ, ICMRના ડાયરેકટર જનરલ ડૉ. બલરામ ભાર્ગવ, એઇમ્સના ડાયરેકટર ડૉ. રણદીપ ગુલેરિયા અને કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના અધિક સચિવ શ્રીમતી આરતી આહુજાની આ ટીમ ગુરૂવારે 16 જુલાઇએ સાંજે અમદાવાદથી હવાઇ માર્ગે સુરત જવા રવાના થઇ હતી.