Gandhinagar: પરસોત્તમ રૂપાલાના નિવેદનથી શરૂ થયેલો વિવાદ અને ક્ષત્રિય સમાજમાં ભભૂકી રહેલી આક્રોશની આગને ઠારવા ભાજપ હવે અતિ ગંભીર બન્યું છે. રૂપાલાએ સોશિયલ મીડિયા થકી અને ત્યાર બાદ ગોંડલમાં ભાજપના ક્ષત્રિય નેતાઓની બેઠકમાં માફી માંગ્યા બાદ પણ વિવાદ યથાવત રહેતા પ્રદેશ ભાજપ જ નહીં.ભાજપના કેન્દ્રીય નેતૃત્વએ પણ આ મુદ્દાને ગંભીરતાથી લીધો છે.


ક્ષત્રિય સમાજની સંકલન સમિતિ સાથે આવતીકાલે ગોતામાં બેઠક કરવાનો આજની ભાજપની બેઠકમાં નિર્ણય લેવાયો હોવાની સી.આર.પાટીલે જાહેરાત કરી હતી. જો કે રૂપાલાને રાજકોટથી બદલવા મુદ્દે કોઈપણ નિર્ણય લેવાયા અંગેના સવાલ પર પાટીલે સ્પષ્ટતા કરી કે રૂપાલા જ રાજકોટથી ઉમેદવાર યથાવત રહેશે.  આ દરમિયાન ભાજપના ક્ષત્રિય સમાજના નેતાઓને સામાજિક નેતાઓ સાથે સંવાદ સાધવાની પણ સૂચના અપાઈ છે.


પાટીલે રૂપાલાને માફ કરવા માટે ક્ષત્રિય સમાજને હાથ જોડીને અપીલ કરી હતી. પાટીલે કહ્યું કે અમદાવાદના ગોતામાં કાલે બપોરે 3 વાગ્યે ભાજપ અને ક્ષત્રિય સમાજની સંકલન સમિતિ વચ્ચે બેઠક યોજાશે. રૂપાલાને માફી આપવા સી.આર.પાટીલે ક્ષત્રિયોને હાથ જોડી વિનંતી કરી હતી.


સમગ્ર રાજ્યમાં ક્ષત્રિય સમાજનો વિરોધ 


રૂપાલાના નિવેદનનો રાજ્યભરમાં ક્ષત્રિય સમાજનો આક્રમક વિરોધ થયો હતો. રૂપાલાને બદલવાની માંગ પર ક્ષત્રિય સમાજ અડગ છે. ક્ષત્રિય સમાજની એક જ માંગ છે કે રૂપાલાને હટાવામાં આવે. અમદાવાદ, વડોદરા, રાજકોટમાં પણ રૂપાલા સામે વિરોધ થયો હતો. ભરુચ અને સૌરાષ્ટ્રના ગામડાઓમાં આક્રમક વિરોધ કરવામાં આવ્યો હતો. અમદાવાદમાં રાજપૂત સમાજે 48 કલાકનું અલ્ટીમેટમ આપ્યું છે. વડોદરા કલેક્ટર કચેરીએ રાજપૂત સમાજે વિરોધ કર્યો હતો.


સૌરાષ્ટ્રના ગામડાઓમાં રૂપાલાનો વિરોધ


સૌરાષ્ટ્રના ગામડાઓમાં પણ  રૂપાલાનો વિરોધ થયો હતો. ભાજપને પ્રવેશબંધીના ગામડાઓમાં પોસ્ટરો લાગ્યા હતા. રાજકોટ, મોરબી, જામનગર, દ્વારકા, સુરેન્દ્રનગર, કચ્છ, ભાવનગર જિલ્લાના ગામડાઓમાં રૂપાલાનો વિરોધ થયો હતો. ઉમેદવારી રદ્દ નહીં ત્યા સુધી ભાજપને પ્રવેશ નહીંના પોસ્ટરો લાગ્યા હતા.


રૂપાલાને બદલવાની માંગ સાથે અમદાવાદમાં વિરોધ પ્રદર્શન થયુ હતું. ક્ષત્રિય સમાજના આગેવાનો કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. અમદાવાદમાં ક્ષત્રિય સમાજના આગેવાનો આવેદનપત્ર આપશે.


પરસોતમ રૂપાલાનો વડોદરામાં વિરોધ થયો હતો.  સમસ્ત સૌરાષ્ટ્ર કચ્છ રાજપૂત એસોસિએશન, ક્ષત્રિય સમાજે વિરોધ કર્યો હતો. સૌરાષ્ટ્ર કચ્છ રાજપૂત એસોસિયેશન, સૌરાષ્ટ્ર કચ્છ રાજપૂત યુવા એસોસિયેશન, સૌરાષ્ટ્ર કચ્છ રાજપૂત એસોસિએશન મહિલા પાંખ સહિતે વિરોધ નોંધાવ્યો હતો.  પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી વિરોધ યથાવત રહેશે. કલેકટર કચેરી ખાતે રાજપૂત સમાજની મહિલાઓ પણ પહોંચી હતી.