ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં સ્પષ્ટ બહુમતી મેળવીને ભાજપે કોંગ્રેસને આંચકો આપી દીધો છે. ભાજપે પહેલી વાર ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં સ્પષ્ટ બહુમતી મેળવી છે. ભાજપે નેતૃત્વ પરિવર્તન કરીને વિજય રૂપાણીને સ્થાને ભૂપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી બનાવ્યા પછી આ પહેલી મોટી ચૂંટણી હતી. આ ચૂંટણીમાં જીતના કારણે ભૂપેન્દ્ર પટેલને રાહત થઈ છે.
ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલ માટે પણ ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી મોટો પડકાર હતો અને આ પડકારને પાટિલ ફરી પહોંચી વળ્યા છે. 44 બેઠકમાંથી ભાજપને 41, કોંગ્રેસને બે અને આમ આદમી પાર્ટીને એક બેઠક મળી હતી. ભાજપની જીત બાદ સોશિયલ મીડિયામાં લોકોએ આમ આદમી પાર્ટીને આડે હાથ લીધી હતી અને અવનવા મીમ્સ બનાવીને શેર કર્યા હતા.