Gandhinagar News: ગુજરાતના સરકારના ગૃહ વિભાગે બે અધિકારીઓની કરેલો બઢતીનો (promotion) હુકમ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો છે. ગુજરાત પોલીસમાં એક અલગ જ નામ અને કામ ધરાવતા બે ડીવાયએસપીને ગૃહ વિભાગે સુપ્રિટેન્ડન્ટ ઑફ પોલીસ તરીકે બઢતી આપી છે. ગૃહ વિભાગે ATS ના DySP કે. કે. પટેલ (DySP K K Patel) અને સુરત ક્રાઈમ બ્રાંચના ACP ભાવેશ રોજિયાને (ACP Bhavesh Rojiya) આઉટ ઑફ ટર્ન પ્રમોશન આપ્યા છે. એક સાથે બબ્બે ડીવાયએસપીને એસપી તરીકેની બઢતી આપવામાં આવતા ગુજરાત પોલીસમાં (gujarat police) એક નવો ઈતિહાસ રચાયો છે.

ગૃહ વિભાગે બંને અધિકારીઓને બઢતી આપવાની સાથે સાથે તેમની બદલી પણ કરી છે. ડીવાયએસપી કે. કે. પટેલને SP મરીન ટાસ્ક ફોર્સ કમાન્ડર ગાંધીધામ-કચ્છ તરીકે નિમણૂંક આપી છે. જ્યારે બી. પી. રોજિયાને નાયબ પોલીસ કમિશનર ક્રાઈમ-2 સુરત તરીકે નિમણૂંક કરી છે.




પોલીસ વિભાગમાં બેદાગ રહીને જે અધિકારી-કર્મચારી કોઈ અતિ નોંધપાત્ર કામગીરી કરે છે તેને રાજ્ય સરકાર આઉટ ઑફ પ્રમોશન આપે છે. જે અધિકારી કે કર્મચારીને આઉટ ઑફ ટર્ન પ્રમોશન આપવાનું હોય તેની કામગીરી-મેડલ સહિતની માહિતી રાજ્ય પોલીસ વડા  તરફથી ગૃહ વિભાગને મોકલવામાં આવે છે. ત્યારબાદ સામાન્ય વહીવટ વિભાગ અને આખરે મુખ્યમંત્રી  પાસે પહોંચે છે. આઉટ ટર્ન પ્રમોશન માટે મુખ્યમંત્રીની મહોર બાદ ગૃહ વિભાગ બઢતીનો હુકમ કરે છે.


ભાવનગરના વતની ભાવેશ પ્રવિણભાઈ રોજીયા વર્ષ 2004ની બેચના PSI છે. માત્ર 19 વર્ષની નોકરીની સફરમાં જ તેઓ SP બની ગયા છે. ATS માં DySP તરીકેની ફરજમાં હજારો કરોડના ડ્રગ્સ કન્સાઈન્મેન્ટ, 36 પાકિસ્તાની, 16 ઈરાની અને 3 અફઘાનીઓને પકડી ચૂક્યા છે. UP ના હિન્દુ નેતા કમલેશ તિવારીના હત્યારા અને કાવતરાખોરને પકડવામાં પણ તેમની મહત્વની ભૂમિકા રહી છે. આ ઉપરાંત ગુજરાતના પાટનગર  ગાંધીનગરમાં આતંક મચાવનારા સિરિયલ કિલરને પકડી ચૂકયા છે. હથિયારો, આતંકવાદી વિરોધી પ્રવૃત્તિ તેમજ ખૂંખાર ગુનેગારોને પકડ્યા હોવાની યાદી ખૂબ લાંબી છે. ભાવેશ રોજિયાએ વડોદરા ગ્રામ્ય, ખેડા, અમદાવાદ ક્રાઈમ બ્રાંચ  માં PSI તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. વર્ષ 2012માં PI નું પ્રમોશન મેળવ્યા બાદ તેઓ ATS અને અમદાવાદ ક્રાઈમ બ્રાંચમાં ફરજ બજાવી ચૂક્યા છે. વર્ષ 2018માં DySP નું પ્રમોશન મળ્યા બાદ તેમણે 4 વર્ષ ATS માં ફરજ બજાવી. ઓગસ્ટ-2022માંથી તેઓ સુરત ક્રાઈમ બ્રાંચના ACP તરીકે ફરજ બજાવે છે.


ગુજરાત પોલીસના કનુભાઈ કિશોરભાઈ પટેલે વર્ષ 1993ની બેચમાં PSI તરીકે સફર શરૂ કરી હતી. PSI તરીકે સુરત શહેર અને ગ્રામ્યમાં અને PI તરીકે અમદાવાદ શહેર તેમજ ATS માં ફરજ બજાવી ચૂક્યાં છે. ડીવાયએસપી તરીકે ઓગસ્ટ-2018માં બઢતી મળતા તેમને ATS માં નિમણૂંક અપાઈ હતી અને હાલ પણ ATS માં ફરજ બજાવી રહ્યાં છે. ATS માં નોકરી દરમિયાન કે. કે. પટેલ 1993ના બોમ્બે બ્લાસ્ટ કેસ  ના 7 આરોપીઓને પકડી ચૂક્યાં છે. ગુજરાતમાં હુમલો કરવાની ફિરાકમાં રહેલા ISIS ના 4 આતંકીઓ, ગુજરાતમાં છુપાયેલા તામિલનાડુના ISIS ના આતંકી, ઈસ્લામિક સ્ટેટ ઑફ ખોરાસન પ્રોવિન્સ ના 5 સભ્યોને ગુજરાત-કાશ્મીરમાંથી, વર્ષ 2002ના અક્ષરધામ મંદિર પરના હુમલા કેસના આરોપી, અમેરિકન કોન્સ્યુલેટ કોલકતા પર થયેલા હુમલાના એક આરોપી તેમજ અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ તથા વર્ષ 2000ના લાલ કિલ્લા એટેક ના આરોપીને પકડવામાં મહત્વની ભૂમિકા નિભાવી ચૂક્યાં છે. 2016માં પ્રેસિડેન્ટ પોલીસ મેડલ, વર્ષ 2020માં કેન્દ્રીય ગૃહ મંત્રાલય તરફથી સ્પેશ્યલ ઓપરેશન મેડલ, સ્ટેટ DGP તરફથી કોમોન્ડેશન ડિસ્ક, ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ ડીજી  તરફથી કોમોન્ડેશન ડિસ્ક, 320 રિવોર્ડ્સ અને 2.92 લાખના રોકડ પુરસ્કાર મેળવી ચૂકયાં છે.