Aam Aadmi Party, MLA Umesh Makwana: ગુજરાતમાં તાજેતરમાં જ બે વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણી યોજાઇ હતી, જેમાં કડીમાં ભાજપ જીત્યુ તો વિસાવદરમાં આપે બાજી મારી હતી, આ બન્ને પરિણામો બાદ સૌથી વધુ ચર્ચા આપ નેતા ગોપાલ ઇટાલિયા અને ગુજરાત આપની થઇ રહી હતી, પરંતુ હવે ગુજરાત આમ આદમી પાર્ટીને ઝટકો આપતા સમાચાર સામે આવ્યા છે. આજે બોટાદના આપના ધારાસભ્યએ પાર્ટીને જ મોટો ઝટકો આપી દીધો છે. બોટાદના આપના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદ યોજી આમ આદમી પાર્ટીના દંડક પદેથી રાજીનામું આપી દીધુ છે. આ રાજીનામા સાથે ગુજરાત આપમાં ડખો થયો હોવાની વાત પણ ચર્ચાએ ચઢી છે.

તાજેતરમાં આમ આદમી પાર્ટીના બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા ધારાસભ્ય પદેથી રાજીનામું આપે એવી અટકળો વચ્ચે તેમણે દંડકપદેથી રાજીનામું આપ્યું છે. ઉમેશ મકવાણા છેલ્લા કેટલાક સમયથી આમ આદમી પાર્ટીના કાર્યક્રમોમાં ગેરહાજર રહેતા હતા. દંડકપદેથી રાજીનામું આપ્યા બાદ તેમણે કહ્યું હતું કે કોંગ્રેસ વિપક્ષની ભૂમિકામાં નિષ્ફળ રહી છે. હું આપના કાર્યકર તરીકે કામ કરતો રહીશ અને ધારાસભ્ય પદ છોડવા અંગે પ્રજાને પૂછીને નિર્ણય કરીશ. મળતી માહિતી અનુસાર, AAPના બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા પાર્ટીથી નારાજ છે અને આજે ધારાસભ્ય પદેથી રાજીનામું આપવાની ચર્ચાઓ ચાલી રહી છે. એવામાં તેમણે આજે દંડકપદેથી રાજીનામું આપી દીધું છે.

આમ આદમી પાર્ટીના બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ કહ્યું - પક્ષના આગેવાનો સાથે બેઠક કરી ધારાસભ્ય પદને લઈને નિર્ણય કરીશ. AAPએ મને દંડક બનાવી રાજકીય પક્ષના રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરી બનાવ્યો. કોંગ્રેસ પાર્ટીએ પણ પછાત સમાજના લોકોને મહત્ત્વના સ્થાન ના આપ્યા. AAP પણ પછાત સમાજના મુદ્દા ઉઠાવવામાં પાર્ટી તરફથી અવગણના કરે છે. ગોપાલ ઈટાલિયાના કારણે રાજીનામું આપું છું એવું નથી. સરકારને વિધાનસભામાં સૌથી વધુ પ્રશ્ન પુછ્યા છે, મેં જનતા માટે કામ કર્યા છે. બોટાદની જનતા સાથે ચર્ચા કર્યા બાદ ધારાસભ્ય તરીકે રાજીનામા બાબતે નિર્ણય લઈશ. AAPના તમામ પદ પરથી રાજીનામું આપું છું, કાર્યકર્તા તરીકે કામ કરતો રહીશ.

2022ની વિધાનસભા ચૂંટણીમાં AAP દ્વારા બોટાદ બેઠક પર ઉમેશ મકવાણાને ટિકિટ આપવામાં આવી હતી. તેમણે ભાજપના ઘનશ્યામ વિરાણી અને કોંગ્રેસના મનહર પટેલને હરાવી દીધા હતા. આ પછી આમ આદમી પાર્ટીએ ઉમેશ મકવાણાને ભાવનગર બેઠક પરથી લોકસભાની ટિકિટ પણ આપી હતી, જો કે તેઓ ચૂંટણી હારી ગયા હતા.