અમદાવાદઃ ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે ગુજરાત વિધાનસભાની 8 બેઠકોની પેટાચૂંટણી અને પ્રદેશ સંગઠનમાં પોતાની નવી ટીમની રચના કરવાની તૈયારીઓ શરૂ કરી છે. પાટીલ આવતા અઠવાડિયે સૌરાષ્ટ્રના પ્રવાસે જઇ રહ્યા છે અને એ પછી રાજ્યના અન્ય વિસ્તારોની મુલાકાતે પણ જશે. એ પછી સંગઠનમાં નિમણૂકોનો દોર હાથમાં લેશે.

પાટીલ સૌરાષ્ટ્ર પ્રવાસની શરુઆત સોમનાથ મંદિરે દર્શન કરીને કરશે. અહીંથી તેઓ જૂનાગઢ, અને રાજકોટમાં રોકાશે. આ દરમિયાન તેઓ સૌરાષ્ટ્રના લગભગ તમામ જિલ્લાના નેતાઓને અલગ-અલગ જૂથમાં મળશે. સૌરાષ્ટ્ર-કચ્છના લોકોને મળ્યા બાદ તરત જ સી આર ગુજરાતમાં પ્રદેશ માળખાની પોતાની ટીમની જાહેરાત કરે તેવી શક્યતા છે.

ભાજપનાં સૂત્રોએ આપેલી જાણકારી પ્રમાણે પાટીલે ચૂંટણીલક્ષી ચર્ચાની સાથે સંગઠનમાં નિમણૂકોની ક્વાયત પણ હાથ ધરી છે. ચૂંટણીલક્ષી બાબતો અને સંગઠનની બાબતની ચર્ચા માટે કોને-કોને મળવું તે અંગેની યાદી તૈયાર થઇ રહી છે. સી. આર. પાટીલે આ જવાબદારી પક્ષના વરિષ્ઠ નેતા અને ઉપપ્રમુખ ગોરધન ઝડફિયાને સોંપી હોવાનું એક ગુજરાતી અખબારના અહેવાલમાં દાવો કરાયો છે.

ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ બન્યા બાદ પાટીલ પ્રથમ વાર સૌરાષ્ટ્ર જઇ દરેક જિલ્લાના કાર્યકરો અને સંગઠનના નેતાઓને મળશે. પાટીલ સૌરાષ્ટ્રમાં આરએસએસ સાથે સંકળાયેલાં નેતાઓને પણ મળવાના છે. સૂત્રોના જણાવ્યા અનુસાર હાલ પ્રવાસનો કાર્યક્રમ તૈયાર થઈ રહ્યો છે અને સત્તાવાર જાહેરાત ટૂંક સમયમાં કરાશે.