ગાંધીનગરઃ આગામી 3 નવેમ્બરે ગુજરાતમાં આઠ વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી યોજાવાની છે. ત્યારે ભાજપ અને કોંગ્રેસમાંથી કોને કોને ટિકિટ આપવામાં આવે છે, તેના પર સૌની નજર મંડાયેલી છે. ગઈ કાલે ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક યોજાઇ હતી. ગઈ કાલે લીંબડી, ગઢડા અને ડાંગ બેઠક પર ચર્ચા કરવામાં આવી હતી. આ સિવાયની પાંચ બેઠકો પર કોંગ્રેસ છોડીના ભાજપમાં જોડાયેલા પાંચ પૂર્વ ધારાસભ્યોને ટિકિટ મળવાની પૂરી શક્યતા છે.


લીંબડી બેઠક પર કિરીટસિંહ રાણા ભાજપના પ્રબળ દાવેદાર માનવામાં આવે છે. આ ઉપરાંત 3 નામોની લીંબડી બેઠક માટે પેનલ બનાવવામાં આવી છે. જેમાં મહિલા મોરચાના પ્રમુખ મંજુલાબેન ધાડવી અને પૂર્વ સાંસદ શંકરભાઈ વેગડનું નામ પણ પેનલમાં છે. સોમાભાઈ પટેલનો વિકલ્પ પણ ભાજપ પ્રવેશ બાદ નકારી ન શકાય.

ડાંગ બેઠક માટે ભાજપે સંભવિત ઉમેદવારોની પેનલ બનાવી છે, જેમાં મંગળ ગાવિત, વિજય પટેલ, બાબુરાવ ચોર્યા, દશરથ પવાર, રાજેશ ગામીતનો સમાવેશ થાય છે. કપરાડા બેઠક પર જીતુ ચૌધરીનું નામ નક્કી માનવામાં આવે છે. અબડાસા બેઠક પર પણ પ્રદ્યુમનસિંહ જાડેજાનું નામ નક્કી માનવામાં આવે છે.

મોરબી બેઠક પર બ્રિજેશ મેરજાનું નામ નક્કી માનવામાં આવે છે. ગઢડા બેઠક પર આત્મરામ પરમારનું નામ લગભગ નક્કી મનાય છે. જ્યારે ધારી બેઠક પર જે.વી. કાકડિયા અને કરજણ બેઠક અક્ષય પટેલનું નામ નક્કી માનવામાં આવે છે.