ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે રાજ્યની નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓને 3850 કરોડ રૂપિયાના ચેક વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. આ સમારોહ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નગરો અને મહાનગરપાલિકાના અધિકારીઓ તથા પદાધિકારીઓને શહેરોમાં પ્રાથમિક સુવિધાઓ અને વિકાસકામો મુદ્દે સ્પષ્ટ સૂચનાઓ આપી હતી. તેમણે જણાવ્યું હતું કે અગાઉ નગરપાલિકાનું બજેટ માંડ 3 લાખ રૂપિયાનું હતું, જેની સરખામણીએ આજે રાજ્ય સરકાર પૂરતું ફંડ આપી રહી છે. હવે લોકોની સુવિધા રોજબરોજ વધી રહી છે ત્યારે લોકો સરકાર પાસેથી માત્ર કામ નહીં, પરંતુ ગુણવત્તાસભર (ક્વોલિટી) કામોની અપેક્ષા રાખે છે.
તૂટેલા રસ્તા, વારંવારનું ખોદકામ અને આંતરિક સંકલન પર ટકોર
મુખ્યમંત્રીએ રોડ-રસ્તાના નિર્માણ અંગે ખાસ ભાર મૂકતા જણાવ્યું હતું કે નવા રસ્તાઓનું નિર્માણ સંપૂર્ણ આયોજન સાથે અને ઉચ્ચ ગુણવત્તાવાળું થવું જોઈએ. અલગ-અલગ કામોના બહાને નવા બનાવેલા રસ્તાઓ વારંવાર તોડવા ન પડે તે માટે નગરપાલિકા અને મહાનગરપાલિકાના તમામ વિભાગોએ કામ શરૂ કરતા પહેલા પરસ્પર આંતરિક સંકલન કરવું જોઈએ. રોડના નિર્માણ સાથે જ ડ્રેનેજ, વૉટર લાઇન કે અન્ય કામોનું આગોતરું આયોજન કરવા કડક આદેશ અપાયા છે, જેથી પ્રજાના પૈસાનો વેડફાટ ન થાય.
ભુવા પડવાના કારણોની તપાસ કરવામાં આવે
હવામાનમાં આવી રહેલા બદલાવ પર વાત કરતાં મુખ્યમંત્રીએ કહ્યું હતું કે હાલ વરસાદની પેટર્ન બદલાઈ છે અને અમદાવાદ જેવા શહેરોમાં એક સાથે 21 ઈંચ જેટલો ભારે વરસાદ ખાબકે છે. આ પરિસ્થિતિમાં રસ્તાઓ પર ભુવા પડવાની સમસ્યાઓ સામે આવે છે. મુખ્યમંત્રીએ આદેશ આપ્યો હતો કે ભુવા પડવા પાછળના ટેકનિકલ કારણો શોધવા માટે આધુનિક ટેક્નોલોજીની મદદ લેવી જોઈએ અને રસ્તા પર ભુવા જ ન પડે તે પ્રકારનું કાયમી આયોજન કરવું જોઈએ.
ફિલ્ડ વિઝિટ કરવા સૂચના
પ્રજાની સમસ્યાઓ સમજવા માટે મુખ્યમંત્રીએ તમામ અધિકારીઓ અને પદાધિકારીઓને ફિલ્ડમાં ઉતરવા આદેશ આપ્યો છે. તેમણે કહ્યું કે જ્યાં પણ વિકાસકામો ચાલી રહ્યા હોય ત્યાં સાઈટ વિઝિટ કરવી જોઈએ. આ ઉપરાંત, તૂટેલા રોડ-રસ્તા અને નાગરિકોની તકલીફો અંગે મીડિયામાં આવતા અહેવાલોને ગંભીરતાથી લઈ તેને સકારાત્મક રીતે સ્વીકારવા અને તેના પર ત્વરિત કાર્યવાહી કરવા જણાવવામાં આવ્યું છે. જૂના કામોની સ્થિતિ કેવી છે તેની નિયમિત સમીક્ષા કરવાની જવાબદારી પણ સ્થાનિક તંત્રની છે.
સ્વચ્છતા નહીં હોય તેવી નપા, મનપામાં ગ્રાન્ટ નહીં આપવાની CMની સ્પષ્ટ વાત
શહેરોમાં સ્વચ્છતા મુદ્દે મુખ્યમંત્રીએ અત્યંત કડક વલણ અપનાવ્યું હતું. તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે તમામ નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓમાં સ્વચ્છતા જાળવવી ફરજિયાત છે. જો કોઈ નગરપાલિકા કે મહાનગરપાલિકા વિસ્તારમાં સ્વચ્છતા નહીં જોવા મળે તો સરકાર દ્વારા આપવામાં આવતી ગ્રાન્ટ બંધ કરી દેવામાં આવશે. આમ, વિકાસકામોની ગુણવત્તા, સમયસરનું આયોજન અને સ્વચ્છતા જાળવવા મુદ્દે રાજ્ય સરકારે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને સ્પષ્ટ સંદેશ આપી દીધો છે.
