ગાંધીનગરઃ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે રાજ્યકક્ષાના ગણવેશ વિતરણ સમારોહમાં જણાવ્યું હતું કે, આપણે કોરોના સામે ઝઝુમી રહ્યા છીએ ત્યારે સેકન્ડ વેવ લગભગ નિયંત્રિત થઈ ગઈ છે. ગઈ કાલે 100થી ઓછા કેસ આવ્યા, જે એક સમયે દરરોજના 14 હજારથી વધુ કેસ આવતાં હતા. હજુ કોરોના સમાપ્ત નથી થયો. કોરોના સાથેની લડાઇ આપણી ચાલું છે. આ ગણેવશ વિતરણ સમારોહ ડિજિટલી યોજાયો હતો.
કોરોનાની ગતિ મંદ પડી છે ત્યાં ગુજરાતમાં સુરત અને વડોદરામાં ડેલ્ટા પ્લસ વેરિયન્ટના બે કેસો નોંધાતાં રાજ્ય આરોગ્ય વિભાગ દોડતુ થયુ હતું. ત્યારે ડેલ્ટા પ્લસ સંક્રમિત દર્દીઓના સંપર્કમાં આવેલા 17 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા હતાં જેમાં એકેયમાં ડેલ્ટા પ્લસ વેરિયન્ટના લક્ષણો જોવા મળ્યા ન હતાં. જેના કારણે રાજ્યના આરોગ્ય વિભાગ અને રાજ્ય સરકારે રાહતનો શ્વાસ લીધો હતો.
સુરતમાં 27 વર્ષિય યુવક કોરોના ડેલ્ટા પ્લસનો શિકાર બન્યો હતો. જયારે વડોદરામાં 38 વર્ષિય મહિલા પણ કોરોનાના નવા વાયરસથી સંક્રમિત થઇ હતી. જોકે, સદનસીબે આ બંને દર્દીઓએ કોરોનાને માત આપી હતી. આમ છતાંય રાજ્ય આરોગ્ય વિભાગે આ બંને દર્દીઓ કોના કોના સંપર્કમાં આવ્યા હતાં તેની તપાસ આદરી હતી.
આરોગ્ય વિભાગે સુરતમાં 9 વ્યકિત અને વડોદરામાં 8 વ્યકિત દર્દીઓના સંપર્કમાં આવ્યા હોવાનુ શોધી કાઢયુ હતું. આ બધાય લોકોનુ હેલ્થ ચેકિંગ કરી ટેસ્ટ કરવામાં આવ્યા હતાં. સારી વાત એ હતી કે, આ તમામ લોકોમાં કોરોના ડેલ્ટા પ્લસના કોઇ લક્ષણો જણાયા ન હતાં. કોરોનાની ત્રીજી સંભવિત લહેર સામે રાજ્ય સરકારે અત્યારથી જ તૈયારીઓ આદરી છે ત્યારે કોરોના ડેલ્ટા પ્લસ વેરિયન્ટ વધુ ઝડપથી ફેલાય છે પરિણામે તબીબો પણ ચિંતિત છે. અત્યારે તો ગુજરાતમાં કોરોના ડેલ્ટા પ્લસનો એકેય કેસ નથી.
નોંધનીય છે કે, ગુજરાતમાં ગઈકાલે કોરોનાના 96 કેસ નોંધાયા છે જ્યારે ૩ વ્યક્તિનાં મૃત્યુ થયા છે. રાજ્યમાં ગઈકાલે 315 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. હાલ રાજ્યમાં એક્ટિવ કેસની (Active Cases) સંખ્યા 3465 છે. જે પૈકી 14 દર્દી વેન્ટીલેટર પર છે. રાજ્યમાં એક દિવસમાં 315 દર્દીઓ સ્વસ્થ થયા હતા. રાજ્યમાં અત્યાર સુધીમાં આરોગ્ય વિભાગના સઘન પ્રયાસોના લીધે 8,09,821 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.
અમદાવાદ કોર્પોરેશનમાં 21 કેસ, વડોદરા કોર્પોરેશનમાં 10 કેસ, સુરત કોર્પોરેશનમાં 11 કેસ, રાજકોટ કોર્પોરેશનમાં 8 કેસ, સુરતમાં 3 અને વડોદરામાં 6 કેસ, નવસારમાં 2 અને વલસાડમાં 3 કેસ, બનાસકાંઠામાં 3 કેસ, ગાંધીનગર કોર્પોરેશનમાં 2 કેસ, ગીર સોમનાથમાં 2 કેસ, જામનગર કોર્પોરેશનમાં 2 કેસ, જુનાગઢમાં 3 તથા જુનાગઢ કોર્પોરેશનમાં 2 કેસ, ખેડામાં 1 કેસ, પંચમહાલમાં 1 કેસ, સુરેન્દ્રનગરમાં 1 કેસ, અમરેલીમા 6 કેસ નોંધાયા છે. જામનગરમાં બે કેસ નોંધાયા હતા. તે સિવાય ભરૂચ, મહિસાગર, મોરબી, પાટણ, રાજકોટ, સાબરકાંઠામાં એક-એક કેસ નોંધાયા હતા. તે સિવાય 15 જિલ્લાઓમાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નહોતો. તે સિવાય અમદાવાદ કોર્પોરેશન, બોટાદ, અને પોરબંદરમાં એક-એક દર્દીના કોરોનાથી નિધન થયા હતા.
આ જિલ્લામાં ન નોંધાયા એક પણ કેસ
અમદાવાદ, આણંદ, ભાવનગર, અરવલ્લી, ભાવનગર કોર્પોરેશન, બોટાદ, છોટા ઉદેપુર, દાહોદ, ડાંગ, ગાંધીનગર, કચ્છ, મહેસાણા, નર્મદા, પોરબંદર, તાપી જિલ્લામાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નહોતો.
રાજ્યમાં કેટલા છે એક્ટિવ કેસ
રાજ્યમાં હાલ એક્ટિવ કેસની સંખ્યા 3465 છે. જેમાંથી હાલ 3451 લોકો સ્ટેબલ છે. 14 લોકો વેન્ટીલેટર પર છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 8,09,821 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. જ્યારે કુલ મૃત્યુઆંક 10054 પર પહોંચ્યો છે. રાજ્યમાં રિકવરી રેટ (Recovery Rate) 98.36 ટકા છે.
કેટલા લોકોએ લીધી રસી
રાજ્ય સરકારે જાહેર કરેલા આંકડા પ્રમાણે રવિવારે સાંજે 5 વાગ્યા સુધીમાં કુલ 2,49,125 વ્યક્તિઓનું રસીકરણ (Vaccination) કરવામાં આવ્યું છે. આ સાથે રાજ્યમાં કુલ રસીકરણનો આંક 2,51,28,252 પર પહોંચ્યો છે.