ગાંધીનગરઃ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું આજે 92 વર્ષની વયે નિધન થયું છે. તેમને હાર્ટ અટેક આવતાં સ્ટર્લિંગ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન નિધન થયું છે. કેશુભાઈ પટેલને ફેફસા અને હૃદયની બીમારીના પગલે સ્ટર્લિંગ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. થોડા સમય પહેલા તેઓ કોરોનાગ્રસ્ત પણ થયા હતા.


તેમનું નિધન થતાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તેમના નિધનને લઈને દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે કેશુબાને શ્રદ્ધાંજલિ આપતાં જણાવ્યું હતું કે, તેમના નિધનથી ગુજરાતને મોટી ખોટ પડી છે. કેન્દ્રીયમંત્રી રાજનાથસિંહે પણ તેમના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું હતું. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પણ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.


ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને વરિષ્ઠ આગેવાન કેશુભાઇ પટેલના નિધન પર શોક વ્યક્ત કરતા જણાવ્યું હતું કે,ભાજપાના વરિષ્ઠ આગેવાન અને અમારા મોભી એવા પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલના નિધનના સમાચારથી હું અત્યંત દુઃખની લાગણી અનુભવું છું.આદરણીય કેશુભાઈ પટેલે તેમનું આખું જીવન રાષ્ટ્રસેવા અને જનસેવાના કાર્યો માટે સમર્પિત કર્યું હતું. ગુજરાતના વિકાસમાં તેમનું યોગદાન સદાય યાદ રહેશે. આદરણીય કેશુભાઈના નિધનથી ગુજરાતને પણ મોટી ખોટ પડી છે. પ્રભુ તેમના દિવ્ય આત્માને શાંતિ આપે તેમજ તેમના પરિવારને આ આઘાત સહન કરવાની શક્તિ આપે તે જ પ્રાર્થના.

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કેશુબાપાના નિધન પર શોક વ્યક્ત કર્યો. પૂર્વ કૃષિ મંત્રી દિલીપ સંઘાણીએ કેશુભાઈ પેટલના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ કેશુભાઈના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. કેશુભાઈ પટેલના પાર્થિવદેહના અગ્નિસંસ્કાર ક્યાં કરાશે તે થોડીવાર બાદ નક્કી કરાશે.