ગાંધીનગરઃ વિધાનસભાના ધારાસભ્યોનું આજે ફોટો સેશન યોજાશે. ચૂંટણીના વર્ષમાં વિધાનસભાના છેલ્લા સત્રના છેલ્લા દિવસે ધારાસભ્યોનું ફોટો સેશન કરવામાં આવશે. બધા ધારાસભ્યો એક સાથે ફોટો પડાવશે. વિધાનસભા બહાર પોડિયમ બનવવામાં આવ્યું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળી કેબિનેટ, કયા કયા મુદ્દે થઈ ચર્ચા?
ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતમાં આજે કેબિનેટ બેઠક મળી હતી. બજેટ સત્રની કામગીરીમાં પસાર થયેલ અને થનારા મહત્વના બિલો સંદર્ભે ચર્ચા કરવામાં આવી હતી. આ સાથે પીએમ મોદીના એપ્રિલ મહિનાના ગુજરાત પ્રવાસના સરકારી કાર્યક્રમોના આયોજન સંદર્ભે ચર્ચા કરવામાં આવી હતી. બજેટ સત્ર બાદ નવી યોજનાઓ અને કાયદાઓના અમલીકરણને લઈને પણ કેબિનેટ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી.
હવામાન વિભાગે રાજ્યમાં આવતીકાલથી ચાર દિવસ હીટવેવની કરી આગાહી
રાજ્યમાં આવતીકાલથી ચાર દિવસ હીટવેવની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, રાજ્યના અનેક શહેરોમાં ગરમીનો પારો ત્રણ ડિગ્રી સુધી વધવાની શક્યતા છે. રાજ્યના અલગ અલગ શહેરોમાં ગરમીનો પારો 43 ડિગ્રીએ પહોંચે તેવી શક્યતા છે. દક્ષિણ પશ્ચિમથી પશ્ચિમના સુકા ગરમ પવનને લીધે બુધવારે અમદાવાદ સહિત રાજ્યના ચાર શહેરોમાં ગરમીનો પારો 41 ડિગ્રીને વટાવી ગયો હતો.
એક એપ્રિલે પોરબંદર અને કચ્છમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો બીજી એપ્રિલે બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ અને કચ્છમાં યલો એલર્ટ જાહેર કરાયુ છે. તો ત્રીજી એપ્રિલે અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, સુરેંદ્રનગર, અમરેલી,કચ્છમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બુધવારે રાજ્યના અલગ અલગ શહેરોમાં નોંધાયેલ ગરમીના આંકડાની વાત કરીએ તો ભૂજમાં સૌથી વધુ 41.8 ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ. તો અમરેલીમાં ગરમીનો પારો 41.5 ડિગ્રી પર પહોંચ્યો હતો. રાજકોટ અને સુરેંદ્રનગરમાં ગરમીનો પારો 41.3 ડિગ્રી પર પહોંચ્યો હતો. તો અમદાવાદમાં ગરમીનો પારો 41 ડિગ્રી સુધી પહોંચી ગયો હતો. પાટનગર ગાંધીનગર અને વડોદરામાં ગરમીનો પારો 40.6 ડિગ્રી પર પહોંચ્યો હતો. તો ડીસા અને વલ્લભવિદ્યાનગરમાં ગરમીનો પારો 39 ડિગ્રી પર પહોંચ્યો હતો. કેશોદમાં ગરમીનો પારો 38.4 ડિગ્રી અને કંડલા એરપોર્ટ પર ગરમીનો પારો 38 ડિગ્રી પર પહોંચ્યો હતો.